ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) ફાઉન્ડેશનની CSR પહેલ હેઠળ ૧૬ ડિસેમ્બરના રોજ કોડીનાર શુગર યુનિટ ખાતે એક ભવ્ય “વન હેલ્થ મેડિકલ કેમ્પ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીની રાઇઝ ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ, પ્રાણી અને ખેતીની માટીના સ્વાસ્થ્યને એકીકૃત કરી ગ્રામીણ વિકાસને વેગ આપવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન IPL યુનિટ હેડ યશ સોલંકી, બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન પી. એસ. ડોડિયા અને એમ.ડી. રાજનભાઈ વંશ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામજનો માટે બ્લડ પ્રેશર, શુગર તપાસ અને નિઃશુલ્ક દવાઓ સાથે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. KVK અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને શેરડીની સુધારેલી જાતો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું હતું. જ્યારે દેવલી ગામ ખાતે પશુ આરોગ્ય કેમ્પ યોજી પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી.










































