કોડીનારના વડનગર ગામ નજીકની અદાણી અંબુજા સિમેન્ટ પ્લાન્ટના સતત વધી રહેલા રાક્ષસી પ્રદૂષણથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. કંપનીના સિમેન્ટ પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, કેમિકલ ફિલ્ટર અને સ્ટોરેજ પ્લાન્ટમાંથી નીકળતા સતત ડસ્ટિંગ, ઝેરી વાયુ અને પ્રદૂષિત પાણીથી આસપાસના ૨૦૦થી વધુ ખેડૂતોની ફળદ્રુપ જમીન બંજર બની રહી છે. પ્લાન્ટની આસપાસના તમામ ખેડૂતોના કૂવાના પાણી લાલ બની ગયા છે. આ પાણીના વપરાશથી મનુષ્ય, પશુઓ અને ખેતીવાડી ઉપર ગંભીર ખતરો હોવાના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના એનાલિસિસ રિપોર્ટ પણ છે. આ બાબતે વડનગર ગામના નાજાભાઇ મુળાભાઈ ગાધેએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક દાયકાથી સિમેન્ટ ઉદ્યોગના પ્રદૂષણ અંગે તંત્રમાં વારંવાર પોલ્યુશન બોર્ડ ગાંધીનગર, જિલ્લા કલેકટર સહિતનાને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ રાજ્યનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કંપનીને માત્ર શોકોઝ નોટિસ આપીને સંતોષ મેળવે છે અને કોઈ નક્કર પગલા લેતા નથી. અંબુજા સિમેન્ટ કંપનીના પ્રદૂષણ બાબતે ખેડૂતોનો અવાજ પર્યાવરણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓની હપ્તાખોરીથી કંપનીની તરફેણમાં રિપોર્ટ કરીને દબાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.