કોડીનાર તાલુકાના મિતિયાજ, રોણાજ સહિત આસપાસના અનેક ગામોમાં શેરડી પકવતા ખેડૂતો જંગલી ભૂંડોના વધતા ત્રાસથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘુ બિયારણ ખરીદી શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક મોટો થતાં જ જંગલી ભૂંડોના ટોળાં ખેતરોમાં ત્રાટકીને શેરડીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોડીનાર તાલુકાના ખેડૂત આગેવાન અને મિતિયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડે કૃષિ વિભાગ અને સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે જિલ્લાના કૃષિ વિભાગને રજૂઆત કરી છે કે, ખેડૂતોને જંગલી ભૂંડોના ત્રાસમાંથી મુક્તિ મળે અને તેમને થયેલા પાક નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોને ભવિષ્યમાં આવા નુકસાનથી બચાવવા માટે જંગલી ભૂંડો સામે રક્ષણાત્મક પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. સરકાર આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપીને તાત્કાલિક રાહત પૂરી પાડે અને ખેડૂતોને તેમના પાક અને આજીવિકા બચાવવામાં મદદ કરે.