કોડીનાર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુથી તાલુકા પંચાયત કોડીનાર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તાલુકા પંચાયતની ૨૦% તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી આજે કડવાસણ અને બરડા ગ્રામ પંચાયતને કચરા વ્યવસ્થાપન માટે ‘મિની ટ્રેક્ટર-ટ્રોલી’ ફાળવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાંઝા, નગરપાલિકાના ઉપ પ્રમુખ શિવાભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર તેમજ પૂર્વ તા.પં. પ્રમુખ પ્રતાપભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ મિની ટ્રેક્ટર અને ટ્રોલી મળવાથી હવે કડવાસણ અને બરડા ગામમાં કચરાના નિકાલની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે, જેનાથી ગામડાઓમાં સ્વચ્છતા જાળવવામાં મોટી મદદ મળશે.