બાબરાના કોટડાપીઠા ગામની સીમમાં ખેતીની જમીન અને ગૌચરના દબાણ મામલે ચાલી રહેલા મનદુઃખમાં એક નિર્મમ હત્યાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને આરોપીએ આધેડ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે મંગળુભાઇ જીવાભાઇ ધાધલ (ઉ.વ.૫૨) એ રમેશભાઇ ઉર્ફે દુડી ગોરધનભાઇ ઉર્ફે કોથાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલા તેમના મૃતક બનેવી બાબભાઇએ આરોપીને ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતીકામ ન કરવા બાબતે ટપાર્યા હતા. આ બાબતની અદાવત રાખીને, જ્યારે બાબભાઇ પોતાની વાડીએથી ઢોર લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ ઢોરને સાઈડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આરોપીએ લાકડી વડે આડેધડ માર મારીને બાબભાઇને માથા, હાથ, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો એટલો ભયાનક હતો કે મૃતકને બંને હાથે-પગે અને પાંસળીઓમાં મલ્ટી ફ્રેક્ચર થયા હતા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ રમેશભાઇ ઉર્ફે દુડી ગોરધનભાઇ ઉર્ફે કોથાભાઇ સોલંકી/ દેવીપુજકએ બાબભાઇ મોકાભાઇ ખાચર/કાઠી દરબાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, કર્ણકીના કાચા મારગે આવેલ ભોળાનાથના મંિંદરે સેવા પુજા કરવા જતા હોવાતી મરણજનાર બાબભાઇ મોકાભાઇ ખાચર રહે.કોટડાપીઠા વાળાને ગમતું નહોતું. તા.૨૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે ફરી ભોળાનાથના મંદિરે જતા હોય ત્યારે આરોપીએ તેમને સામા મળ્યા હતા અને ભોળાનાથના મંદિરે જવાની ના પાડી જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી પાસે રહેલ લાકડી વડે મારી નાખવાના ઇરાદે તેમના માથામાં ડાબી બાજુએ એક ઘા માર્યો હતો. તેમજ એક ઘા પડખામાં માર્યો હતો.









































