(૧)સાહેબ તમે મગરમચ્છના આંસુ જોયા?
ડા. હિતેશ વામજા (ધારી)
ના, તમારી અનુકૂળતાએ મોકલજો એટલે જોઈ લઈશ.
(૨)મારો પુત્ર ક્યા વ્યવસાયમાં સ્થિર થાય એ સારું?
રમાબેન પટેલ (અમદાવાદ)
તમારો પુત્ર દેશ અસ્થિર ન થાય એવા કોઈપણ વ્યવસાયમાં સ્થિર થાય તો આખો દેશ રાજી થશે.
(૩) પિતાનો ઠપકો ખાધેલ સંતાન, શિક્ષકે સજા કરેલ વિદ્યાર્થી એવાને એવા જ રહે તો શું કરવું?
પ્રિયમ આચાર્ય (બાબરા)
એના લગ્ન કરી દેવા, બધું રેડી થઈ જશે.
(૪) પત્નીઓને સાતમ આઠમ કરવા કેટલા મહિના જવાય?
પ્રિયંકા કૃણાલ સાવલિયા (સુરત)
નણંદ રોકાય એટલા મહિના!
(૫)કોઇ પોતાની શંકાનું સમાધાન કરવા બ્રહ્મા પાસે જાય તો, બ્રહ્મા વિષ્ણુ પાસે અને વિષ્ણુ શિવ પાસે, એમ શું કામ મોકલતા હશે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
તમારા મનમાં ઉદભવેલી આ શંકાના સમાધાન માટે બ્રહ્માજી પાસે જઈ આવો.
(૬)તમે તમારી પત્ની જોડે કેટલી વાર ઝઘડો કરો?
ચાંદની એમ.ધાનાણી (અમદાવાદ)
ઇ ગણવા બેસીએ તો ઝઘડવાનું ભૂલી જવાય છે.
(૭) હું બજારમાં જાઉં ત્યારે બધા પોતપોતાની પસંદગીની વસ્તુ મંગાવે છે. તો મારે કઈ એક વસ્તુ લાવવી જે બધાને પસંદ આવે?
તારક વ્યાસ (સુરત)
નિરમા !
(૮)પાટણથી સિદ્ધપુર ૨૭ કિ.મી અને ઉંઝા ૨૬ કિ.મી. દૂર છે તો શું સિદ્ધપુર અને ઉંઝા વચ્ચેનું અંતર ૧ કિ.મી. કહી શકાય?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
કહી શકાય, કહેવામાં શું વાંધો? હું તો કહું છું કે તમારે રોજ આ એક કિલોમીટરવાળા રસ્તે જ વોકિંગ કરવા જવું.
(૯)જુના સમયની એસ.ટી.બસ અને અત્યારની એસ.ટી.બસ વચ્ચે શું તફાવત છે?
જય દવે (ભાવનગર)
જુના વખતમાં બસમાં દરવાજો પાછળ આવતો એટલે મુસાફરો બસમાં ચડ્‌યા પછી આગળ વધી શકતા. હવે દરવાજો આગળ આવે છે એટલે બસમાં ચડ્‌યા પછી ફરજિયાત પીછેહઠ કરવી પડે છે.
(૧૦) હું ડ્રાઇવર છું પણ મને મારા વ્યવસાયથી સંતોષ નથી. શું કરું?
કિશોરભાઈ કાનાભાઈ (દાહોદ)
અરે ભલા માણસ, વિચાર તો કરો કે તમે ડ્રાઇવર બની ગયા છો, ઘણાં તો હજી સાદા વર પણ નથી બની શક્યા!
(૧૧) દેરડી તો કુંભાજીનું, ઇશ્વરીયા તો મહાદેવનું.. વિદેશમાં ગામના નામ આવા કેમ નહિ હોય?
ઉન્નતિ મહેતા(રાજકોટ)
ધીરજ રાખો. આપણાવાળા હવે પરદેશમાં જમાવટ કરવા માંડ્‌યા છે. થોડા વર્ષો પછી ન્યુયોર્ક નટુભાઈનું, વોશિંગ્ટન વશરામભાઈનું, લંડન લખમીબેનનું એવું સંભળાશે!
(૧૨)અમિતાભ બચ્ચન સામે ‘કૌન બનેગા કરોડપતિ’માં તમને મોકલવામાં આવે તો તમે શું કરો?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
અમિતાભભાઈ આ કોલમ વાંચતા હશે. એને ખબર છે કે આને ન બોલવાય.. એ દર અઠવાડિયે પંદર સવાલના જવાબ આપે છે.
(૧૩) કોઈ કોઈનું નથી તો કોણ કોનું છે?
જનક ઝવેરભાઈ (અમરેલી)
કાશ્મીર ભારતનું છે.
(૧૪)બદામ ખાવાથી બુદ્ધિમાં વધારો થાય છે એવુ સાંભળ્યુ છે પણ બદામ ખાવાથી બદામ ખાનારને લાભ થાય કે પછી બદામના વેપારીને
લાભ થાય?
હરપાલસિંહ જે.ઝાલા (ભોયકા-લીંબડી)
બન્નેને નુકસાન થાય. મેપાભાઈ એક કિલો બદામ ઉધાર લઈ આવ્યા પછી વેપારીને ઓળખતા જ નથી! મતલબ કે મેપાભાઈની યાદશક્તિ અને વેપારીના આઠસો રૂપિયા ગયા!
(૧૫) ફોન ન હોત તો બધાનું શું થાત?
હર્ષીત ડાંગર (ગળકોટડી)
ટપાલીઓ તૂટી જાત!

નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને
ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..