બાબરાના ધરાઈ ગામે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. બાલમુકુંદ હવેલીમાં સેવાપૂજા કરતા જયેશભાઇ ઇશ્વરભાઇ જોષી (ઉ.વ.૫૪) એ મીતુલભાઈ જોષી, કુલદીપભાઇ મીતુલભાઇ જોષી, વિરલભાઇ ગુલાબભાઇ જોષી, જીજ્ઞેષભાઈ જોષી, જયભાઇ ગુલાબભાઇ જોષી, કેતનભાઈ ભરતભાઇ જોષી, પપ્પુ ઉર્ફે બાલમુકુન્દભાઇ પ્રવીણભાઈ જોષી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ધરાઈ ગામે બાલ મુકુંદજીની હવેલીમાં સેવાપૂજાનો વારો હતો અને ત્યાં બહારગામથી વૈષ્ણવો તથા સેવકો આવીને ભજન કીર્તન કરતા હતા તે સમયે તેણે માઇકમાં જાહેરાત કરી હતી કે, ‘હાલ બાલમુકુંદજીની હવેલી બનાવવા માટે કોઈ આયોજન કર્યું નથી. હાલ હવેલી નવી બનાવવાની નથી, જેથી કોઇ વૈષ્ણવો કે સેવકોએ કોઇને દાન કે ફાળો આપવો નહીં’ તેવી જાહેરાત કરતા આરોપીઓને સારું નહોતું લાગ્યું. તેમને ‘તું શું કામ આવી જાહેરાત કરે છે’ તેમ કહીને ગાળો આપી લાફા માર્યા હતા તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત તેમના પત્ની તથા દીકરા કુલદીપને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા તેમજ તેમના દીકરાને ગાળો આપી હતી. જે બાદ મીતુલભાઈ જનકભાઇ જોષી (ઉ.વ.૫૦) જયેશભાઇ ઇશ્વરભાઇ જોષી, જયદિપભાઇ ઇશ્વરભાઇ જોષી, બીપીનભાઇ, નિકુંજભાઇ બીપીનભાઇ જોષી, કિશોરભાઇ જોષી તથા મુકેશ ઉર્ફે મુન્નો ઇશ્વરલાલ જોષી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ઓફિસ રોજ ખુલ્લી રાખતા હતા. જેથી આરોપીને સારુ નહીં લાગતા તેમને ઓફિસ બંધ રાખવાનું કહી ગાળો આપી હતી.








































