પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના યુપીએ સમાપ્તવાળા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. મમતાએ મહારાષ્ટ્રમાં રાકાંપા પ્રમુખ શરદ પવારને મળ્યા પછી કહ્યું હતું કે યુપીએ સમાપ્ત થઈ ગઈ છે. મમતાએ રાહુલ પર પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કોઈ વિદેશમાં રહે છે અને કંઈ કરતા નથી તો કઈ રીતે ચાલશે.
હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે યુપીએમાં કોંગ્રેસની જરૂરિયાતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વગર યુપીએ આત્મા વગરના શરીર જેવી છે. મમતા બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું હતું કે આ જ સમય છે, જ્યારે વિપક્ષે પોતાની એકતા બતાવવી જાઈએ.
મહારાષ્ટ્રના વરિષ્ઠ કોંગ્રેસનેતા બાલા સાહેબ થોરાટે પણ મમતાના નિવેદન પર નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે ભાજપના અન્યાયની વિરુદ્ધ જે લડાઈ શરૂ કરી છે એને આખો દેશ જાણે છે. રાહુલ ગાંધીની ટીકા કરીને કોઈપણ પાર્ટી ભાજપની વિરુદ્ધ લડાઈ ન લડી શકે. જા કોઈ પાર્ટી પોતાના ફાયદા અને કોઈ પોતાના વ્યક્તિગત લાભને જાઈ રહી છે તો એવું બિલકુલ ન કરી શકાય. દેશમાં લોકશાહીનો એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ છે.
કોંગ્રેસનેતા અધીર રંજન ચૌધરીએ મમતાના નિવેદન પર તીખો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જીને શું એ ખ્યાલ નથી કે યુપીએ શું છે. મમતાને લાગી રહ્યું છે કે આખો દેશ તેમનું નામ જપી રહ્યો છે. ભારતનો અર્થ બંગાળ નથી. બંગાળમાં મમતાએ જે સાંપ્રદાયિક ખેલ રમ્યો હતો એ હવે ઉજાગર થઈ રહ્યો છે.
શરદ પવાર અને મમતાની વચ્ચે મુંબઈના સિલ્વર ઓક એપાર્ટમેન્ટમાં લગભગ એક કલાક સુધી વાતચીત થઈ હતી. એ પછી મમતા મીડિયાની સામે આવી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું હતું કે યુપીએ કોઈ ગઠબંધન નથી. એ સમાપ્ત થઈ ચૂકી છે. તેમણે રાહુલનું નામ લીધા વગર કહ્યું હતું કે જા કોઈ કંઈ કરતું નથી અને વિદેશમાં રહે છે તો કઈ રીતે ચાલશે. આ કારણે આપણે બીજા કોઈ રાજ્યોમાં જવું પડ્યું છે.
મમતાની કોંગ્રેસ સાથે વધતું અંતર અને ત્રીજા મોરચાની ચર્ચા વચ્ચે પવારની સાથે તેમની મુલાકાત રાજકીય મુદ્દે ઘણું બધું કહી જાય છે. આ મુલાકાત તેવા સમયે થઈ, જ્યારે આગામી ૫ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. મંગળવારે મમતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને પણ મળ્યા હતા. આ મુલાકાત પછી આદિત્ય ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું, અમે તેમનું મુંબઈમાં સ્વાગત કરીએ છીએ. અમે આ મિત્રતાને આગળ વધારવા માગીએ છીએ.