ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાંટાળો તાજ કોણ પહેરશે? તે અંગે હજુ પણ કોંગ્રેસ પક્ષ મંથન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના અલગ અલગ જૂથો દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓએ દિલ્હી ખાતે ધામા નાખી દીધા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ કોણ હશે તેને લઈ મંથન શરૂ થયું છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે મેરેથોન બેઠકો દિલ્હી હાઈ કમાન્ડમાં ચાલી રહી છે. તેમજ ગુજરાત કોંગ્રેસના અલગ અલગ જૂથના નેતાઓ પણ તેમના નેતાઓ માટે લોબિંગ શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન અને ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા એકાએક દિલ્હી દરબાર પહોંચી ગયા અને ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં અન્ય ગ્રુપના કોળી આગેવાન રજૂઆત થાય તે પહેલા જ કોંગ્રેસના એક જૂથના ગણાતા ધારાસભ્ય વિમલ ચુડાસમા દિલ્હી પહોંચી કોળી સમાજ અથવા ઓબીસી સમાજને પ્રમુખ પદ મળવું જાઈએ તેવો દાવો કરી નાખ્યો હતો.
બીજી તરફ વિધાનસભા કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમાર , હિંમતસિંહ પટેલ અને ગૌરવ પંડ્યા પણ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે દક્ષિણ ગુજરાતમાંથી આવતા ગૌરવ પંડ્યાને પ્રમુખ માટે દાવેદારી પ્રબળ કરવા આ મુલાકાત મનાઈ રહી છે. સ્વર્ણ વર્ગમાંથી આવતા અને દક્ષિણ ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા ગૌરવ પંડ્યા સ્વ. અહેમદ પટેલના સૌથી નજીકના કહેવાતા નેતા હતા. સંગઠનમાં વર્ષોથી કામ પણ કરી રહ્યા છે. ત્યારે ઓબીસી નહીં પણ સ્વર્ણ વર્ગમાંથી પ્રમુખ પદ મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ઓબીસી સમાજને સંગઠનના પ્રમુખની મોટી જવાબદારી આપી ચૂક્યા છે. તેવામાં સ્વર્ણ વર્ગ પ્રમુખ પદ આપવા માંગ ઉઠી છે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પાટીદાર નેતાઓની એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસમાં પાટીદાર નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળે તેવી વાત મુકાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ પાટીદાર નેતા વિરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખી મુલાકાત માટે સમય આપવા રજૂઆત કરી છે. ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પણ આગવું મહત્વ છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પાટીદાર સમાજને કંઈક મોટું સ્થાન મળે તેવી માંગણી કરાશે.
શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામા બાદ ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ હશે તે અંગે મંથન શરૂ થઈ ગયું છે. છેલ્લા ૩૦ વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસના ગુજરાત કેપ્ટન કોણ હશે?