કોંગ્રેસ ટૂંક સમયમાં ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૪૦ બેઠકો પર ફરીથી સ્થાન મેળવવા માટે કેમ્પેઈન શરૂ કરશે જ્યાં આદિવાસી મતદારો ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે. આ કેમ્પેઇન ૨૦૨૭ માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાયો તૈયાર કરવા માટે બ્લોક સ્તર સુધી પોતાને ફરીથી મજબૂત બનાવવાની અને સાથે સાથે રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરવાની પાર્ટીની યોજનાનો એક ભાગ છે. રાહુલ ગાંધીના સીધા નેતૃત્વમાં, ગુજરાત કોંગ્રેસને ૪૦ નવા જિલ્લા પ્રમુખો મળ્યા, આ સાથે નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીનો સમાવેશ થાય છે, જેઓ હવે પાર્ટીનું નેતૃત્વ કરશે.

પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, આમાંથી, તુષાર ચૌધરીની નિમણૂક, જે એક આદિવાસી નેતા છે, તે પ્રભાવશાળી સમુદાય પર નજર રાખીને કરવામાં આવી હોય તેવું લાગે છે. અમિત ચાવડાએ, જે બીજી વખત પ્રદેશ પ્રમુખ બનીને ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે આદિવાસી સમાજના નેતાઓ સાથે આદિવાસી સંપર્ક યોજના પર ચર્ચા શરૂ કરી દીધી છે.

અમિત ચાવડાએ નવા જિલ્લા પ્રમુખોને ૨૦૨૭ માં ભાજપનો સામનો કરવા માટે બ્લોક સ્તરે સ્થાનિક ટીમોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ કહ્યું છે. દાયકાઓ પહેલા આદિવાસીઓ કોંગ્રેસના સમર્થક હતા પરંતુ ધીમે ધીમે તેઓ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલા ભગવા પક્ષ તરફ વળ્યા.ગુજરાતમાં સંગઠનાત્મક પુનર્ગઠનની યોજના બનાવનારા રાહુલ પરિસ્થિતિને બદલવા અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાં પાછી લાવવા આતુર છે, તેઓ સારી રીતે જાણે છે કે તે સરળ કાર્ય નહીં હોય.

ગુજરાતના પ્રભારી એઆઇસીસી સચિવ રામકિશન ઓઝાએ જણાવ્યું કે, “રાહુલ ગાંધીએ નવા જિલ્લા પ્રમુખોને કહ્યું કે ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. તેમણે નવા જિલ્લા પ્રમુખોને કહ્યું કે તેઓ પાર્ટીના મુખ્ય ચાલક બનશે. અમારું પ્રારંભિક ધ્યાન હવે ગ્રામ્ય સ્તરે સંગઠનને પુનઃસ્થાપિત કરવા પર છે. જોકે, આગામી દિવસોમાં રાજ્યભરમાં રાજકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે.” રામકિશન ઓઝાએ જણાવ્યું, “૪૦થી વધુ વિધાનસભા બેઠકો પર આદિવાસીઓની નોંધપાત્ર હાજરી છે. અમે તેમના કલ્યાણની ચિંતા કરીએ છીએ. આગામી દિવસોમાં અમે તેમના મુદ્દાઓને ઉજાગર કરીશું. અમે આયોજનબદ્ધ રીતે સમાજ સુધી પણ પહોંચીશું. અમે આદિવાસી નેતા તુષાર ચૌધરીને નવા વિપક્ષ નેતા તરીકે નિયુક્ત કર્યા છે તે હકીકત ચોક્કસપણે સમાજને સકારાત્મક સંદેશ આપશે.”

પક્ષના અંદાજ મુજબ, ગુજરાતમાં ૧૬ ટકા એસસી, ૭ ટકા આદિવાસી અને ૨૦ ટકા ઓબીસી મતદારો છે. પાટીદારો લગભગ ૧૪ ટકા છે અને ભાજપ અને કોંગ્રેસ બંને આ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની નિમણૂક કારણ વગર નહોતી કારણ કે રાહુલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સમુદાયના મતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, એમ પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

અમિત ચાવડાએ જણાવ્યું કે, “ગુજરાતમાં આદિવાસી સમુદાયના પાણી, જંગલ અને જમીન અધિકારોના રક્ષણ માટેના કાર્યક્રમો માટે માળખું તૈયાર કરવા માટે મેં આદિવાસી સેલ સાથે વિગતવાર ચર્ચા કરી છે. આ ઉપરાંત, શહેર અને તાલુકા સ્તરના સમિતિ પ્રમુખોની પસંદગી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નેતાઓની નિમણૂક માટે નિરીક્ષકો સાથે વિગતવાર પરામર્શ કરવામાં આવ્યો છે. અમે ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવીને તાલુકા સ્તરથી રાજ્ય સ્તર સુધી સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવીશું.” ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ રાહુલ ગાંધીએ આદિવાસીઓની સમસ્યાઓને મુખ્ય રીતે ઉઠાવી હતી. તેમણે સમુદાય માટે એક ચાર્ટર તૈયાર કર્યો હતો અને જો પક્ષ સત્તામાં આવશે તો તેનો અમલ કરવાનું વચન આપ્યું હતું.

કોંગ્રેસે પ્રસ્તાવિત પાર-તાપી-નર્મદા નદી-જાડાણ પ્રોજેક્ટને કારણે આદિવાસીઓના વિસ્થાપનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પક્ષે રાષ્ટ્રીય એસસી એસટી આયોગને પણ પત્ર લખીને જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમોમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ્‌સ માટે જમીન સંપાદન મંજૂરી દરમિયાન સ્થાનિક પંચાયતોની ભૂમિકાને કથિત રીતે નબળી પાડવામાં આવી છે અને તે આદિવાસીઓની વિરુદ્ધ છે.