કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસે તેના નેતાઓ અને સભ્યોને શું આપ્યું છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે પાર્ટીએ તેમને અભિવ્યક્તિની શક્તિ આપી છે. શિવકુમારે કોંગ્રેસમાં નવા નેતાઓના સ્વાગત માટે આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના ઇતિહાસ પર પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે આ વાત કહી. દેશ માટે ગાંધી-નેહરુ પરિવારના બલિદાનને યાદ કરતા શિવકુમારે કહ્યું, “કોંગ્રેસની તાકાત એ દેશની તાકાત છે. આ બધું ઇતિહાસ છે. શું ભારતનો ઇતિહાસ ભૂંસી નાખવો શક્ય છે?”

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શિવકુમારે કહ્યું, “કોંગ્રેસે મને જે આપ્યું છે તે મહત્વનું નથી અને એવો પ્રશ્ન ન પૂછો કે પાર્ટીએ મને સભ્ય, પ્રમુખ, મંત્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી કે રાજ્યપાલ બનાવ્યો નથી. મહત્વની વાત એ છે કે તેણે અમને અભિવ્યક્તિની શક્તિ આપી છે.” તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે તેના સભ્યોને જે અવાજ અને સ્થાન આપ્યું છે તે અન્ય કોઈ પક્ષ આપી શકતું નથી.

શિવકુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્ય સરકારમાં નેતૃત્વ પરિવર્તન સંબંધિત અટકળોને ફગાવી દેતા ગુરુવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ માટે “કોઈ ખાલી જગ્યા નથી” અને તેઓ આ પદ પર રહેશે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે તેઓ મુખ્યમંત્રી તરીકેનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે અને એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેમના રાજીનામાથી નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર આ વર્ષના અંતમાં મુખ્યમંત્રી પદ સંભાળી શકશે.

કોંગ્રેસે દેશને તેનું બંધારણ આપ્યું તે નોંધતા, શિવકુમારે કહ્યું કે આખી દુનિયા ભારતીય બંધારણ અને તેના લોકશાહીની પ્રશંસા કરે છે. “કેટલાક લોકો તેનો (લોકશાહી) દુરુપયોગ કરી રહ્યા છે પરંતુ આ બધું એક કામચલાઉ તબક્કો છે. કોંગ્રેસે ૬૦ થી ૭૦ વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને લોકોની સેવા કરી અને દેશને આઝાદી અપાવી. ગાંધીજી, ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું,” કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું. “નેહરુ પરિવારે કોંગ્રેસ પાર્ટી માટે પોતાની બધી સંપત્તિનું બલિદાન આપ્યું.”

શિવકુમારે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે શું યુપીએ સત્તામાં હતી ત્યારે રાહુલ ગાંધી માટે દેશના વડા પ્રધાન બનવું શક્ય નહોતું. તેમણે કહ્યું, “સોનિયા ગાંધીને તત્કાલીન રાષ્ટÙપતિએ સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે કહ્યું કે તેમને સત્તા જોઈતી નથી. એક ખ્રિસ્તી મહિલાએ આપણા બંધારણ અને દેશને અપનાવ્યો અને ભારતમાં સ્થાયી થયા, જેના કારણે એક શીખ અર્થશાસ્ત્રી ૧૦ વર્ષ માટે વડા પ્રધાન બન્યા. કોંગ્રેસ સિવાય બીજા કોઈ દેશ અને રાજકીય પક્ષનો આવો ઇતિહાસ નથી.”

કર્ણાટકમાં વિપક્ષ ભાજપના હિન્દુત્વવાદી વલણ પર કટાક્ષ કરતાં શિવકુમારે કહ્યું કે તેમના સહિત રૂમમાં બધા હિન્દુ હતા. શિવકુમારે કહ્યું, “અમે શિવ, ગણેશ અને રામની પણ પૂજા કરીએ છીએ, પરંતુ બીજાઓને સાથે લઈ જઈએ છીએ અને કહીએ છીએ કે આપણે બધા એક છીએ. ભાજપ ફક્ત હિન્દુઓ વિશે જ વાત કરે છે, બીજા કોઈ વિશે નહીં, જ્યારે આપણો પક્ષ માનવતામાં મૂળ ધરાવે છે.