બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડા. શકીલ અહેમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. ડા. અહેમદે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. પત્રમાં તેમણે પારિવારિક કારણો અને પાર્ટીના કેટલાક નેતાઓ સાથેના મતભેદોને કારણ તરીકે ઉલ્લેખ કર્યા છે. જાકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ અન્ય રાજકીય પાર્ટીમાં જાડાઈ રહ્યા નથી.
પત્રમાં ડા. અહેમદે લખ્યું કે, ૧૬ એપ્રિલ, ૨૦૨૩ના મારા પત્રમાં મેં પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે, હું હવે ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડીશ નહીં. મારા ત્રણેય પુત્રો કેનેડામાં રહે છે અને તેમને રાજકારણમાં જાડાવામાં કોઈ રસ નથી, તેથી તેઓ પણ ચૂંટણી લડશે નહીં.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મારા પૂર્વજાની જેમ, મને પણ કોંગ્રેસ પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોમાં અતૂટ વિશ્વાસ છે. હું જીવનભર કોંગ્રેસના સિદ્ધાંતોનો સમર્થક રહીશ અને મારો છેલ્લો મત પણ કોંગ્રેસ માટે જ રહેશે.
ડા. શકીલ અહેમદે પોતાના પત્રમાં તેમના પરિવારના રાજકીય વારસાની ચર્ચા પણ કરી. તેમણે જણાવ્યું કે, તેમના દાદા અહેમદ ગફુર ૧૯૩૭માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેમના પિતા શકુર અહેમદ ૧૯૫૨થી ૧૯૭૭ દરમિયાન કોંગ્રેસની ટિકિટ પર પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. ડા. અહેમદે જણાવ્યું કે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ વખતે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શક્યા નહોતા, પરંતુ તેમને આશા છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે અને ગઠબંધન મજબૂત સરકાર બનાવશે.
ડા. શકીલ અહેમદે સ્પષ્ટ કર્યું કે તેઓએ રાજીનામું અગાઉથી નક્કી કરી લીધું હતું, પરંતુ બિહાર ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય પછી જ તેને જાહેર કર્યું. તેમના શબ્દોમાં કહીએ તો “હું નહોતો ઈચ્છતો કે મારા રાજીનામાના કારણે મતદાન પહેલાં પાર્ટીને કોઈ નુકસાન થાય કે ખોટો સંદેશ જાય. તેથી મતદાન પૂરું થયા બાદ જ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.”