કેરળમાં નિપાહ વાયરસના વધુ એક સંભવિત કેસથી ચિંતા વધી છે.પલક્કડ જિલ્લાના ૫૭ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને શંકા છે કે તે નિપાહ વાયરસથી સંક્રમિત હતો. આને ધ્યાનમાં રાખીને, સરકારે તાજેતરમાં તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા સાથે વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે મૃતક પલક્કડ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેમના નમૂનાઓનું પરીક્ષણ મંજેરી મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું, જ્યાં નિપાહ વાયરસના ચેપના પ્રારંભિક સંકેતો મળી આવ્યા હતા. સરકાર હવે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટીઈટ્યૂટ ઓફ વાયરોલોજી  ના પુષ્ટિ અહેવાલની રાહ જાઈ રહી છે.

તાજેતરના દિવસોમાં કેરળમાં નિપાહ વાયરસ સંબંધિત મૃત્યુનો આ બીજા શંકાસ્પદ કેસ છે. અગાઉ, મલપ્પુરમના એક રહેવાસીનું તાજેતરમાં ચેપથી મૃત્યુ થયું હતું, જ્યારે પલક્કડ જિલ્લાનો બીજા દર્દી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

નવા કેસને ધ્યાનમાં રાખીને, સરકારે આ વિસ્તારમાં કડક દેખરેખ શરૂ કરી છે. શંકાસ્પદ ચેપગ્રસ્તના સંપર્કમાં આવેલા ૪૬ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ લોકોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ ટાવર લોકેશન ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય ટીમો વિસ્તારમાં તાવનું નિરીક્ષણ કરી રહી છે, જેથી અન્ય લોકોમાં કોઈપણ સંભવિત લક્ષણો વહેલા શોધી શકાય. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓને પ્રતિભાવ ટીમ વધારવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

અધિકારીઓએ પલક્કડ અને મલપ્પુરમ જિલ્લાના લોકોને વિનંતી કરી છે કે તેઓ ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિઓમાં બિનજરૂરી રીતે હોસ્પિટલોની મુલાકાત લેવાનું ટાળે. સારવાર હેઠળ રહેલા મિત્રો અથવા સંબંધીઓની મુલાકાત મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવી છે અને દર્દી સાથે ફક્ત એક જ સહાયકને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ અને તેમના સહાયકો સહિત હોસ્પિટલના તમામ મુલાકાતીઓ માટે હંમેશા માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ દરમિયાન, આરોગ્ય મંત્રીએ છ જિલ્લાઓ – પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર, વાયનાડ અને ત્રિશુરની હોસ્પિટલોને નિપાહ ચેતવણી જારી કરી છે. આ હોસ્પિટલોને તાવ અને નિપાહ એન્સેફાલીટીસ (જેમ કે ઉચ્ચ તાવ) ના લક્ષણો ધરાવતા કોઈપણ દર્દીની તાત્કાલિક જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.