કેરડાનું અથાણું બનાવીને લોકો ખાતા હોય છે. કેરડાને સંસ્કૃતમાં કરીર, હિન્દીમાં કરીલ તથા લેટીનમાં CAPPARIS DECIDUA અને અંગ્રેજીમાં CAPER BERRIES તરીકે ઓળખવામાં આવે છે. ગૂલ્મ પ્રકારની આ વનસ્પતિનાં મધ્યમ કદનાં ઝાડ સૂકાં- ગરમ રેતાળ પ્રદેશો જેમ કે કચ્છ-સૌરાષ્ટ્ર(ગુજરાત), મથુરા, ખાનદેશ, રાજસ્થાન વગેરેમાં વધુ થાય છે.
વટાદિ વર્ગની, વરૂણ કુળની આ ગુલ્મ પ્રકારની વનસ્પતિ ખાસ સૂકી-કાંકરાળ ભૂમિમાં વધુ થાય છે. તેના ઝાડ ૪ થી ૧૦ ફુટ તો કોઈક સ્થળે ૨૦ ફુટ સુધીના પણ થાય છે. વચ્ચેનું થડ પ્રાયઃ સીધું અને તેની છાલ અર્ધો ઈંચ જાડી, ધૂળીયા રંગની, ઉભા, લાંબા ચીરાવાળી હોય છે. તેની શાખા- પ્રશાખા પર ચણીબોરડી પર હોય છે તેવા બે- બે કાંટા એક સાથે ખૂબ હોય છે. આ ઝાડ પર પાન હોતાં નથી, જે હોય છે તે ખૂબ સૂક્ષ્મ હોય છે. તેની પર સુંદર ગુલાબી રંગના ખૂબ નાનાં ફૂલો પ્રાયઃ ગુચ્છામાં વસંતમાં આવે છે. આ ફુલોનું મધમાખીઓ અને ભમરા મધ બનાવે છે. ઝાડ ઉપર ઉનાળામાં વટાણા જેવડા મોટા, નાનાં લીલા રંગના ફળ (કેરડા) આવે છે. જેમ તાપ પડે તેમ તેમાં કડવાશ-ખટાશ- મીઠાશ- તીખાશ વધે છે. ખૂબ પાકાં ફળ લાલ કે કાળા રંગના થાય છે. ફળમાં ખૂબ સુક્ષ્મ અનેક બીજ હોય છે. કેરડાનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનાં ફૂલનું શાક તથા અથાણુ થાય છે.
કેરડાના વૃક્ષની ખેતર ફરતે વાડ કરવાથી ખેતરનું રક્ષણ પણ થાય છે તથા ખેડૂત તેમાંથી પૂરક આવક મેળવી શકે છે.
કેરડોઃ સ્વાદે તીખો- તૂરો, ગરમ, રૂચિકર, સ્વાદિષ્ટ, દોષ ભેદનાર, પાચનકર્તા, ઉતેજક, કડવો પૈષ્ટિક, પરસેવો લાવનાર, શ્વાસ, સોજો, હૃદયની નબળાઈ અને ત્વચારોગ નાશક છે. કેરડાં(ફળ) સ્વાદે કડવા, તીખાં, તૂરાં, મધુર, લુખા, ગરમ, વિકાસી, ગ્રાહી, કફ-પિતનાશક, હૃદય માટે હિતકર અને મુખશુધ્ધ કરનાર છે.
કેરડાનું અથાણું (કેરડા) ખૂબ જ સ્વાદિષ્ટ અને પરંપરાગત ગુજરાતી અથાણું છે. બનાવવાની સરળ રીતઃ
સામગ્રી :
• કેરડા – ૧/૨ કિલો (સાફ કરી નાના કાપેલા) • મીઠું – સ્વાદ મુજબ (લગભગ ૩-૪ ટેબલસ્પૂન) • હળદર પાઉડર – ૧ ટીસ્પૂન • મરચું પાઉડર – ૨-૩ ટેબલસ્પૂન • મેથીનો દળેલો પાઉડર – ૧ ટેબલસ્પૂન
• રાયનો દળેલો પાઉડર – ૨ ટેબલસ્પૂન • હીંગ – ૧/૨ ટીસ્પૂન
• સરસવનું તેલ – ૧ કપ (ગરમ કરી ઠંડું કરેલું) • લીલા મરચાં (ઐચ્છિક) – ૮-૧૦ • લીંબુનો રસ – ૨-૩ લીંબુ
બનાવવાની રીત: ૧. કેરડા સાફ કરવાંઃ • કેરડા ધોઈને સાફ કરી બે ભાગમાં કે નાની ટુકડીઓમાં કાપો. • તેમાં મીઠું અને હળદર મિક્સ કરી ૬-૮ કલાક કે આખી રાત ઢાંકી રાખો જેથી કડવાશ ઘટે. ૨. પાણી છાંટવુંઃ • બીજા દિવસે કેરડામાંથી પાણી નીકળી જશે. તેને સારી રીતે છાંટીને સુકવી લો. ૩. મસાલો તૈયાર કરવોઃ • એક વાટકીમાં મરચું પાઉડર, મેથીનો પાઉડર, રાયનો પાઉડર અને હીંગ મિક્સ કરો. • તેમાં લીંબુનો રસ ઉમેરો. ૪. તેલ ગરમ કરવુંઃ • સરસવનું તેલ ગરમ કરીને ઠંડુ કરો. • હવે મસાલામાં થોડું તેલ ઉમેરી મિક્સ કરો. ૫. કેરડા અને મસાલો મિક્સ કરવોઃ • હવે સુકવેલા કેરડા મસાલામાં ઉમેરી સારી રીતે મિક્સ કરો. • ઉપરથી બચેલું તેલ ઢોળી દો જેથી અથાણું તેલમાં ડૂબેલું રહે. ૬. સંગ્રહઃ • અથાણું સાફ કાચની બરણીમાં ભરો. • ૩-૪ દિવસ સુધી રોજ ચમચાથી હલાવો જેથી મસાલો સારી રીતે ભળી જાય. • પછી ખાવા માટે તૈયાર છે. કેરડાનું અથાણું બનાવીને બજારમાં વેચાણમાં મૂકીને આવક પણ મેળવી શકાય છે.