કોઈ દિવસ નહીં અને આજે બકો હસતાં હસતાં આવ્યો. બકાને હસતાં જોઈને બોસને નવાઈ લાગી.
‘‘શું વાત છે બકા ? આજે ઘરવાળીએ હારુ હારુ ખવરાવીને મોકલ્યો છે કે શું? આજે તું આટલો હસે છે કેમ?’’
‘‘ના રે ના, બોસ. અમારા ભાગ્યમાં એવું બધું ક્યાં લખ્યું હોય છે? અમારે બસ! છાસને રોટલો મળી જાય એટલે બસ.’’
‘‘તો પછી હસવાનું કારણ શું? કાંઈ લોટરી બોટરી લાગી કે શું?’’
‘‘લોટરી લાગી તો નથી, પણ તમે સાથ આપો તો લાગે ‘ય ખરી.’’
‘‘કેમ કેમ? હું કાંઈ લોટરીવાળો છું? કે ન્યાં મારી લાગવગ છે?’’
‘‘એવું તો નથી, પણ તમે ધારો તો હું પૈસાવાળો થઈ શકું છું.’’
‘‘એ કેવી રીતે? જરા વિગતે વાત કરીશ?’’
‘‘આપણે અહીંયા જમીનનો ભાવ શું હાલતો હશે?’’
‘‘આમ તો અત્યાર સુધી જમીન કોઈ રાખતું નહોતું. પણ જ્યારથી રાજકોટ વાળાના હાથમાં પૈસા આવ્યા છે, ત્યારથી જમીનનાં ભાવ હળગી ગયા છે.’’
‘‘તોય પણ શું ભાવ હશે?’’
‘‘બકા તારે જમીન લેવી છે?’’
‘‘ના..આ..! બોસ, મારે જમીન વેચવી છે.’’
‘‘અરે બકા, તું ગાંડો થયો કે થાશ? બાપ દાદાની જમીન નો વેચાય. પડી હશે તો ભૂખ ભાંગવા થાહે.
છોકરાંવને બાર મહિનાનાં દાણાં થાહે.’’
‘‘બોસ, એમ હાવ નથી વેચવી. પણ…’’
‘‘પણ શું? હાવ નથી વેચવી, તો કેમ વેચવી છે?’’
‘‘વેચવી તો છે પણ પાછી લેવીય છે.’’
‘‘મને કાંઈ હમજાણુ નઈ. તું કહેવા શું માંગે છે?’’
‘‘મને ભાવ કહો ને. પછી હું તમને મારો આખો પ્લાન કહીશ.’’
‘‘વિઘાના દસ બાર લાખ તો રાજકોટ વાળા આપી જ દે.’’
‘‘હ..હ..અ તો વાંધો નથી. મારે જમીન વેચીને ઈ પૈસાની સસ્તી જમીન લેવી છે.’’
‘‘બકા અત્યારે સસ્તું રામનું નામ છે. બાકી હંધૂય મોંઘું મોંઘું છે. તું સસ્તું ક્યાંથી ગોતીશ ?’’
‘‘બોસ, સસ્તું મળે છે. એક જગ્યાએ સસ્તું મળે છે.’’
‘‘અભણ અમથાલાલને ‘ય નવાઈ લાગી. સસ્તું અને ઈ ય વળી ગુજરાતમાં? ના હોય બકા ના હોય.’’
‘‘હા..હા..! કલેકટર કચેરીમાં જમીન સસ્તી મળે છે.’’
‘‘એમ..!!? પહેલાં તો ઈ ખોટું. કલેક્ટર કચેરીમા જમીન જ ના મળે. અને કદાચ મળે તો શું ભાવે મળે છે?’’
બોસને ‘ય ઘડીભર મોઢાંમાં પાણી આવી ગયું.‘‘ તો તો આ ધંધો આપણે ‘ય કરવા જેવો ખરો.’’
અમથાલાલે કહ્યું ‘‘કહેતો ખરો! શું ભાવે જમીન મળે છે?’’
‘‘દસ રૂપિયાની વારનો ભાવ છે. ગણિતમાં હું કાચો છું. છતાંય દોઢ બે લાખની વિઘો થાતી હશે.’’
અમથાલાલને હવે સમજાયું કે, બકો કોની વાત કરે છે. ‘‘બકા, તું વાત સુરેન્દ્રનગર જિલ્લાની કરે છે? ’’
‘‘હા..હા..! સસ્તું મળતું હોય તો ભલે ને સુરેન્દ્રનગર જાવું પડે. છોકરાઓના ભાગ્ય તો ખુલી જાય.’’
‘‘બકા..બકા..! છોકરાઓના ભાગ્ય ખુલી ગયા, પણ કલેકટર સાહેબના છોકરાઓના, નાયબ કલેક્ટરના, એમનાં પી.એ.ના અને ક્લાર્કના છોકરાંઓના ભાગ્ય ખુલી ગયા છે.’’
‘‘હું કાંઈ હમજયો નહીં અમથાલાલ..!!’’
‘‘બકા, તું જે વાત કરે છે દસ રૂપિયા વારની, એ જમીન રૂપિયા પાંચ થી દસ હજારના ભાવની છે.
તો પછી છાપાંવાળા તો ખુલ્લં-ખુલ્લાં લખે છે કે, ઘણા સમયથી વારનો ભાવ દસ રૂપિયા હાલે છે.’’
‘‘બકા, એ ભાવ જમીન એન.એ. કરવાનો છે. કાગળીયા ઉપર સહી કરવાનો છે.’’
‘‘અરે પણ, જમીન આપડી, રૂપિયા આપડા, લેવાવાળા અને દેવાવાળા ‘ય આપડા. તો પછી કલેકટરને વારે દસ રૂપિયા શેનાં દેવાનાં? સરકાર એમને પગાર તો આપે છે.’’
‘‘તારી વાત હાચી છે. સરકાર એમને હારો પગાર આપે છે, ગાડી આપે છે, બંગલો ‘ય આપે છે. પણ એટલાંમાં એમનું પેટ ભરાતું નથી.’’
“એટલે તમારુ કેવાનું એમ છે કે, હંધાયના પેટ આવડાં મોટાં છે, એમ?’’
‘‘ના. હંધાયની તો ખબર નથી. પણ, લગભગ લગભગ બધા આ લાઈનમાં ઊભા છે.
તું મને એમ કહે કે, આ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે માત્ર અગિયાર મહિનામાં જ પંદરસો કરોડની જમીનમાંથી દસ કરોડની કમાણી ટેબલ નીચેથી કરી. દસ રૂપિયાના ભાવથી અને આવાં તો કંઈ કેટલાયે હજારો કરોડ રૂપિયા ઘરભેગા કરી દીધા છે.
પછી એ સુરેન્દ્રનગર હોય કે સુરત, અમરેલી હોય કે અમદાવાદ.’’
‘‘ના..ના..ના, અમથાલાલ હાવ એવું ના હોય. એમની ઉપરે ‘ય કોક બેઠું છે. એમને ખબર નો પડે?’’
‘‘ઈ તો ઈ જ જાણે. પણ, હવે મારો રામ ઉપર હિસાબ કરશે જ. પણ, મને તું એક વાત કહે.. તું કોઈપણ સરકારી કામ કરાવવા જાય છે, તો વગર પૈસે કામ થાય છે? અથવા તમારા ટાઈમે કામ થાય છે?? પછી આધારકાર્ડ હોય, રેશનકાર્ડ હોય, કે હોય જમીનનું.’’ ‘‘અમથાલાલ આપણને એમ થાય કે, આપણાં છોકરાઓને તો છાસને રોટલો ખાવાની ટેવ હોય છે એટલે ઈ તો ખાઈ લેશે પણ, બચાડા એનાં છોકરાં !?? એટલે થાય કે માંગે છે ને, આપી દો. અમથું ‘ય આપણાં બાપ દાદાએ આપવાનું શિખવાડ્યું છે.’’ kalubhaibhad123@gmail.com








































