ભારતીય ટીમ ૧૪ નવેમ્બરથી શરૂ થતા વર્તમાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે, અને બધાની નજર ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ બેટથી કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે. આ વર્ષના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગિલે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ સંભાળી હતી અને તે શ્રેણીમાં તેમનું બેટિંગ પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. પરિણામે, ગિલ દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ ક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેનાથી તેમને કેપ્ટન તરીકે એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવવાની તક મળશે.
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે એક વર્ષમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ હાલમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે કુલ ૧૦ મેચ રમી હતી, જેમાં સાત સદી ફટકારી હતી. શુભમન ગિલે ૨૦૨૫માં અત્યાર સુધી સાત ટેસ્ટ મેચોમાં ૧૩ ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં પાંચ સદી ફટકારી છે. જા શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાંથી ત્રણમાં સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે પોન્ટિંગનો ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. જા ગિલ ફક્ત એક સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ટેસ્ટ કેપ્ટન બનશે. કોહલીએ ૨૦૧૭ અને ૨૦૧૮ માં ટેસ્ટ કેપ્ટન તરીકે પાંચ-પાંચ સદી ફટકારી હતી.
શુભમન ગિલનો દક્ષિણ આફ્રિકા સામેનો ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. ગિલે અત્યાર સુધી આફ્રિકન ટીમ સામે બે ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૧૮.૫૦ ની સરેરાશથી માત્ર ૭૪ રન બનાવ્યા છે. આ બંને ટેસ્ટ મેચ ૨૦૨૩ ના અંતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન રમાઈ હતી. જાકે, ત્યારથી, ગિલ બેટિંગમાં ઉત્તમ ફોર્મમાં છે. ૨૦૨૫ તરફ જાતાં, ગિલે ૭૮.૮૩ ની સરેરાશથી ૯૪૬ રન બનાવી લીધા છે. ગિલ આ વર્ષની અંતિમ ટેસ્ટ શ્રેણીનો અંત ઉચ્ચ સ્તરે કરવાનો પ્રયાસ કરશે.













































