ગુજરાતમાં નદીઓને જાડતાં તાપી-પાર- નર્મદા લીંક પ્રોજેક્ટને લઈને સંસદમાં ડીપીઆર (ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ ) ૨જૂ કરાયો છે. આ જ પ્રોજેક્ટને લઈને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો. તે વખતે ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પડતો મૂકવાનું એલાન કર્યુ હતું. પણ ફરી આ જ પ્રોજેક્ટ શરૂ કરવા ખુદ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટને લીધે આદિવાસીઓ વિસ્થાપિત થવુ પડશે. ખેતી-જંગલની જમીનો છિનવાશે. ગુજરાત સરકારે દગો કર્યો હોય તેવો અહેસાસ થતાં આદિવાસીઓ રોષે ભરાયાં છે. ચૂંટણીમાં ગરજ પુરી થતાં હવે સરકારે આદિવાસીઓ સાથે દગો કર્યો હોવાનું આદિવાસીઓ જણાવી રહ્યા છે.
પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટને આખરી સ્વરૂપ આપી દેવાયું છે. એટલુ જ નહીં, લોકસભામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આ પ્રોજેક્ટનો ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ સુધ્ધાં રજૂ કર્યો છે. સૂત્રોના મતે, વર્ષ ૨૦૨૫ની વસતી આધારે વલસાડ, ડાંગ, નવસારીના કુલ ૬૧ ગામોને અસર થશે. જેના કારણે ૧૫ હજારથી વધુ મકાનો તૂટશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. પાર-તાપી, નર્મદા લીંક યોજનાનો અગાઉ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ વંટોળને પગલે વિધાનસભા-લોકસભા ઉપરાંત પાલિકા-પંચાયતની ચૂંટણીઆમાં આદિવાસી મતો ગુમાવવાનો સરકારને ડર પેઠો હતો. આખરે મે- ૨૦૨૨માં પ્રોજેક્ટ સ્થગિત કરી આદિવાસીઓની માંગ સામે સરકારે નમતું જાખવું પડયુ હતું. હવે ફરી જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવા સંસદમાં એલાન કરાયું છે. સી.આર.પાટીલે કેન્દ્રીય મંત્રી બનતાં જ જાણે પલટી મારી છે. એવો આક્ષેપ કરાયો છેકે, મુંબઈ શહેરને પાણીનો લાભ આપવા પાટીલે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
આ ઉપરાંત ૫૩,૨૪૫ આદિવાસીઓને અન્ય સ્થળે સ્થળાંતર કરવા મજબૂર થવુ પડશે. અસરગ્રસ્ત ૬૧ ગામડાઓમાં ખેતી અને જંગલની કુલ મળીને ૩૫ હજાર હેક્ટર જમીન ખેડૂતો-આદિવાસીઓ પાસેથી છિનવી લેવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ, ૨૫થી ૩૦ હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દરમિયાન, વિધાનસભા વિપક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છેકે, પાર, તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ સ્થગિત કરાયો હતો તો પછી આ પ્રોજેક્ટનો ડીપીઆર લોકસભામાં કેવી રીતે રજૂ થયો? કેમ કે, આ પ્રોજેક્ટને લીધે હજારો આદિવાસીઓને વિસ્થાપિત થવું પડશે એટલે સ્વાભાવિક રીતે સ્થાનિકો ચિંતાતુર બન્યાં છે. આ ઉપરાંત ધારાસભ્ય અનંત પટેલે તો આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવા એલાન કર્યુ છે. આમ, પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે દગો કર્યો હોય તેવો આદિવાસીઓ અનુભવી રહ્યાં છે. હવે તેઓ આ મામલે સરકાર સામે શિંગડા ભેરવવા પણ તૈયાર છે.
૪૦૨ કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લિંક દ્વારા વાર્ષિક ૧૩૫૦ મિલિયન ઘનમીટર વધારાના પાણી નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તાર સુધી વહન કરવાનું આયોજન છે.દમણગંગા-પિંજલ લિંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક ૫૭૭ મિલિયન ઘનમીટર વધારાનું પાણી પીવાના હેતુસર પૂરું પાડવાનું આયોજન છે. પાર તાપી- નર્મદા લિંક કેનાલના આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓના સ્રાવક્ષેત્રમાં કુલ સાત જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે. દમણગંગા-પિંજલ લિંકના આયોજનમાં દમણગંગા નદીના સ્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે.