કડી તાલુકાના રંગપુરડા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને ૨૫ વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું છે. આ યુવતી નિમિષા પટેલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં યુવતીએ માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવતી ત્રણ મહિના પહેલા જ કેનેડાથી પરત આવી હતી.
કડીના રંગપુરડા ગામની નિમિષાબેન મયુરકુમાર પટેલ નામની ૨૫ વર્ષીય પરિણીત યુવતી ઘરેથી ચાલતા નીકળી જઈ રંગપુરડા નજીક કેનાલમાં ઝંપલાવી દીધું હતું.ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, નિમિષા ત્રણ મહિના પહેલા જ કેનેડાથી વતન રંગપુરડા આવી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. ૨૫ વર્ષીય પટેલ નિમિષાના લગ્ન જાટાણાના ચાલાસણ ગામના મયુર સાથે થયા હતા. પતિ મયુરકુમાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડા સ્થાયી થયા હતા. લગ્ન બાદ નિમિષા પટેલ પણ કેનેડા સ્થાયી થઈ હતી. ત્રણ મહિના પહેલા નિમિષા પટેલ કેનેડાથી પરત આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
દરમિયાન ખેડામાંથી પણ પરિણીતાના આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. જેની માહિતી પ્રમાણે, કરમસદમાં ૨૮ વર્ષીય મહિલાના લગ્ન ૨૦૨૩માં નિકુંજ પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ, સાસુ-સસરાએ ત્રાસ આપીને દહેજની માંગણી કરી હોવાના પણ આક્ષેપ કરાયા છે. પતિ વર્ક પરમિટ પર કેનેડા ગયો હતો. જ્યારે પત્નીને લઇ જવા તેના માતા-પિતા પાસેથી પાંચ લાખ માંગ્યા હતા. જે બાદ પત્ની પણ કેનેડા ગઇ હતી. પતિના અન્ય મહિલા સાથેના સંબંધની પત્નીને જાણ થઈ હતી. જેથી પત્નીએ પતિને આ અંગે પૂછતા ફ્ટકારી હતી. જ્યારે ગત ૯ જુલાઇના રોજ પતિએ પત્નીને ફરવા જવાનું જણાવીને તેને પિયરમાં મોકલીને મારે તારી સાથે રહેવુ નથી કહીને કેનેડા જતો રહ્યો હતો. જેથી પરિણીતાને મનમાં લાગી આવતા ગત ૧૫ જુલાઇએ લાંભા મંદિર પાસે ખેતરમાં ફિનાઇલ,ઓલઆઉટની બોટલ ગટગટાવી અને ઉંઘવાની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.