જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને માગણી કરી છે કે, કૃષિ સહાય પેકેજમાં નાના ખેડૂતો અને અવસાન પામેલા ખેડૂતોના વારસદારોનો સમાવેશ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આથી સહાય પેકેજની અમલ પ્રક્રિયામાં બે હેક્ટરમાં ૪૪૦૦૦ નક્કી કરવામાં આવેલ છે, ત્યારે દોઢ હેક્ટર અને બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત ખાતેદારોના અલગ અલગ ખાતા હોય તેવા ખેડૂતોના ખાતાને આવરી બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે. આ ઉપરાંત તાજેતરમાં અવસાન પામેલ એવા ખાતેદાર ખેડૂતોના વારસદારોએ વારસાઈ કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂત ખાતેદારોનો પણ સમાવેશ કરવામાં આવે કેમ કે ખેતીનો બોજો તથા આર્થિક મુશ્કેલીઓ વારસદારો પર જ આવે છે. તેથી આવા લાભાર્થીઓને સહાયમાંથી વંચિત નહી રાખવા ખાસ અનુરોધ પણ કરેલ છે. તમામ નાના ખેડૂતો તથા અવસાન પામેલ ખાતેદારોના કાનૂની વારસદારોનો વર્ષ ૨૦૨૫ના સહાય પેકેજમાં તાત્કાલિક સમાવેશ કરી તેમને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી તેઓ આ કુદરતી આપત્તિમાંથી બહાર આવી શકે.









































