કૂદાકૂદ

એક હતું જંગલ. ત્યાં એક મોટા ઝાડ પર વાંદરાઓનું આખું ટોળું રહેતું હતું. આ ટોળામાં એક નાનું અને ગોલુ-મોલુ વાંદરાનું બચ્ચું પણ હતું, જેનું નામ હતું ટીકુ.
બધા વાંદરા આખો દિવસ ‘હૂપાહૂપ’ કરે અને એક ડાળી પરથી બીજી ડાળી પર લાંબા કૂદકા મારે. પણ આપણો ટીકુ? ટીકુ તો સાવ અલગ! એને કૂદકા મારવા જરાય ગમે નહીં!
ટીકુને એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદવાને બદલે ચાલવું જ ગમતું. જ્યારે બીજા વાંદરા હવામાં ઊડતા હોય, ત્યારે ટીકુભાઈ ડાળી પર ધીમે ધીમે પગલા પાડતા ચાલતા હોય.
એના મિત્રો પીકુ અને મીકુ એને ખીજવે પણ ખરા, “અરે ટીકુ, તું તો વાંદરો છે કે કાચબો? ચાલ, અમારી જેમ કૂદકો માર!”
ટીકુ કહે, “ના ભાઈ ના! જો હું કૂદું અને નીચે પડું તો મારા નાના ને નરમ-નરમ પેટ પર વાગે ને? હું તો એય મજાથી ચાલતો-ચાલતો જઈશ. મારે નથી કૂદવું હોં! તમતમારે જેટલું કૂદવું હોય તેટલું કૂદો! મૈં તો ચલતા ભલા!”
એક દિવસ ટીકુએ જમીન પર એક ગલૂડિયાને દોડતું જોયું. ટીકુને થયું, “આ ગલૂડિયું તો બહુ મસ્ત છે! એ કેવું સરસ ધીમેધીમે ચાલે છે! કૂદવાની પંચાત જ નહીં.” ટીકુ ઝાડ પરથી નીચે ઊતર્યો અને ગલૂડિયાની નકલ કરવા લાગ્યો. એ તો ચાર પગે જમીન પર ‘ધબ-ધબ’ કરતો ચાલવા માંડ્‌યો.
ટીકુની મમ્મી આ બધું જોઈ રહી હતી. એણે ટીકુના માથે હાથ મૂક્યો અને બોલી, “બેટા ટીકુ, તું વાંદરો છે, કૂતરું નથી! તારે તો ઝાડ પર કૂદવું જોઈએ.” ટીકુએ મોઢું બગાડ્‌યું અને બોલ્યો, “મમ્મી, ના હોં! મને કૂદવાનું નહીં ફાવે હોં! અને કૂદવામાં તો થાક બહુ લાગે! હું નહીં કૂદું!”
એક બપોરે ટીકુ ધીમે ધીમે એક ડાળી પર ચાલતો હતો. એનું ધ્યાન નીચે પડેલા કેળાની છાલ પર હતું. અચાનક એની સામે એક મોટો મધપૂડો આવ્યો. સામાન્ય રીતે વાંદરાઓ તો ત્યાંથી કૂદકો મારીને બીજી ડાળી પર પહોંચી જાય, પણ ટીકુ તો કૂદતો જ નહોતો! એ તો ત્યાં જ ઊભો રહી ગયો. એટલામાં એક તોફાની માખીએ ટીકુના નાક પર ડંખ માર્યો.
ટીકુ બોલ્યો, “અરે બાપ રે!” અને જેવો એણે પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, એનો પગ લપસ્યો. હવે ટીકુ પાસે બે જ રસ્તા હતા ઃ કાં તો નીચે કાદવમાં પડવું અથવા બાજુની ડાળી પર કૂદકો મારવો.
જીવ બચાવવા માટે ટીકુએ આંખો બંધ કરી અને જોરથી બૂમ પાડી, “હૂઉઉઉ પા…હૂપ!”
ટીકુએ એવો જોરદાર કૂદકો માર્યો કે એ સીધો બાજુના આંબાના ઝાડ પર જઈને પડ્‌યો! એ તો ડાળીને મજબૂત વળગી ગયો. એને લાગ્યું કે એ તો હવામાં ઊડતો હતો.
ટીકુ હસવા લાગ્યો, “અરે વાહ! આ તો પ્લેન જેવી મજા આવી! મને તો કૂદતા આવડી ગયું!”
હવે તો ટીકુ ‘સુપર-જમ્પર’ બની ગયો!
ત્યાર પછી તો ટીકુ રોકાવાનું નામ જ ન લે. હવે તો એ એટલા ઊંચા કૂદકા મારતો કે બીજાં વાંદરા પણ મોઢામાં આંગળા નાખી જાય. હવે જો એને કોઈ પૂછે કે, “ટીકુ, ચાલવું છે?”
તો ટીકુ તરત જવાબ આપે, “ના ભાઈ ના, હવે તો બસ હૂપાહૂપ અને કૂદાકૂદ!”