કુકાવાવ તાલુકાના લુણીધાર ગામની સીમમાં વાડીના શેઢે લગાવેલા લોખંડના તારમાં વીજ કરંટ ઉતરતા એક દુધાળી ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે માલઢોર ચરાવવાનો ધંધો કરતાં અભાણાભાઇ કાળાભાઇ જાપડા (ઉ.વ.૫૦) એ જાહેર કર્યા મુજબ, લુણીધાર ગામની સીમમાં આવેલી અરવિંદભાઈ ધનજીભાઈ હપાણીની વાડીમાં પશુઓ ચરી રહ્યા હતા. પશુપાલક પોતાની ગાયો અને ભેંસોને લઈને સીમમાં ચરાવવા ગયા હતા. ચરાવતી વખતે એક ભેંસ વાડીના પૂર્વ બાજુના શેઢા તરફ ગઈ હતી. વાડીના રક્ષણ માટે લાકડાના થાંભલા પર લોખંડના તાર બાંધવામાં આવ્યા હતા. કમનસીબે આ તારમાં વીજ પ્રવાહ ઉતરેલો હતો. જેવી ભેંસ આ તારને અડી, કે તુરંત જ તેને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. વીજ કરંટ એટલો જોરદાર હતો કે રૂ.૬૦,૦૦૦ની કિંમતની ભેંસનું મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે આસપાસના પશુપાલકોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.







































