વડીયા-મોટી કુંકાવાવ તાલુકાના તોરી ગામે આવેલી બી.વી. કોટડીયા પે સેન્ટર શાળા (પ્રાથમિક શાળા) ખાતે લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરનાર અને બાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા આચાર્ય બાલુભાઈ ભુરાભાઈ તળાવીયાને ગામલોકો અને શાળા પરિવારે ભાવભીની વિદાય આપી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત આચાર્ય કપાડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આચાર્ય ભાયાણીભાઈએ સ્વાગત પ્રવચનથી કરી હતી. નાની બાળાઓએ તેમના માટે વિદાય ગીત ગાઈને વાતાવરણને વધુ લાગણીસભર બનાવ્યું હતું. બાલુભાઈની સેવાને બિરદાવતા પોપટભાઈ, ભુરાભાઈ, પોસીયાભાઈ, સીઆરસી જયરાજભાઈ, મગનભાઈ વઘાસિયા, સામાજિક કાર્યકર વિનુભાઈ કોટડીયા સહિતના મહાનુભાવોએ તેમને ફુલહાર, સાકરપડો, શ્રીફળ અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પે સેન્ટર ગામોના આચાર્ય, હસુભાઈ ઠુમ્મર, કૈલાશબેન અને દયાબેન પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શોભનાબેન વાળાએ આભારવિધિ કરી હતી.