કુંકાવાવ તાલુકાના ખડખડ ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગ્રામીણ નાગરિકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે વિશેષ ત્રિવિધ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અનિડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રક્તદાન શિબિર, સગર્ભા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી તેમજ બીપી અને ડાયાબિટીસ જેવા રોગોની તપાસ કરી જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ પ્રેરણાદાયી કેમ્પનું ઉદધાટન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ હિરપરા અને સરપંચ શ્રી વનીતાબેન મુકેશભાઈ ભેસાણીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ કચેરી અને આરોગ્ય કર્મચારીઓના સંકલનથી આ કેમ્પ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો.






































