જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મૃગી કુંડમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ સર્જાયો છે. મહિલા પોલીસ દ્વારા કીર્તિ પટેલને મૃગી કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્નાન બાદ કીર્તિ પટેલે નિવેદનમાં કહ્યું કે, હું સનાતની છું એટલે સ્નાન કર્યું છે.
વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વધુ એકવાર ચર્ચામાં આવી છે. અઘોરી સંતો સાથે વિવાદિત કીર્તિ પટેલે ભગવો પહેરીને શાહી સ્નાન કર્યું. ભારે વિવાદ થયા બાદ કીર્તિ પટેલને બે મહિલા પીએસઆઇ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
આ વિશે જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે, અગ્રણી સંતો સાથે વાત કરવામાં આવશે શું નિયમ છે અન્ય કોઈ સ્નાન કરી શકે કે કેમ બાદમાં કીર્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે અગ્રણી સાધુ-સંતો સાથે ચર્ચા કરવામાં આવશે બાદમાં શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેવામાં આવશે. દરવાજા પર સંતો મોટી સંખ્યા હાજર હતા, ત્યારે કીર્તિ પટેલ ભગવો પહેરીને પહોંચી હતી. સાધુ સંતો દ્વારા જ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ બાદ તેને બહાર કાઢવામાં આવી હતી.
મહત્વનું છે કે, મીની કુંભ સમાન પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળાનું ભવ્ય સમાપન થયું. મહાશિવરાત્રિના પાવન પર્વને લઈ રાતના સમયે સાધુ-સંતોની રવેડી નીકળી હતી. શહેરમાં નીકળેલી રવેડીમાં અનેક શ્રદ્ધાળુઓ જાડાયા હતા. સાથે જ રવેડીમાં સામેલ સાધુ-સંતોનું ભવનાથ મંદિર ખાતે પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું. આ બાદ મૃગીકુંડની પણ આરતી કરાઈ હતી. ત્યાર બાદ પરંપરા મુજબ સૌપ્રથમ જૂન અખાડા ત્યાર બાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવ્યું. હર હર ભોલેના નાદ સાથે વાતાવરણ શિવમય બન્યું હતું.
ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવી હતી. પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું. હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા. સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મૃગી કુંડની પણ આરતી કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, આ કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુકિત  મળે છે તેવું આ કુંડનું મહાત્મય છે.