એક નાનકડી કીડી હતી. તેનું નામ હતું કીટ્ટુ. કીટ્ટુ બહુ જ જિજ્ઞાસુ હતી. તેને હંમેશાં વિચાર આવતો કે, “આ પક્ષીઓ આટલાં ઊંચે ઊડે છે, તો ઉપરથી દુનિયા કેવી દેખાતી હશે? મને પણ ઊંચે આકાશમાં ઊડવા મળે તો મજા પડે મજા!” પણ કીટ્ટુ તરત વિચારતી, ‘મારે ક્યાં પાંખો છે તો હું ઊંડું!’
એક દિવસ બપોરે કીટ્ટુ બગીચામાં રમતી હતી. ત્યાં તેણે એક મોટો લાલ રંગનો ફુગ્ગો જોયો. ફુગ્ગો એક ઝાડની ડાળીમાં ફસાયેલો હતો અને તેની લાંબી દોરી નીચે લટકતી હતી. કીટ્ટુને તો મજા પડી ગઈ! તે દોરી પકડીને સડસડાટ ઉપર ચડી ગઈ. જેવી તે ફુગ્ગા ઉપર પહોંચી, ત્યાં જ જોરથી પવન આવ્યો!
ફુગ્ગો ડાળીમાંથી છૂટો થઈ ગયો અને હવામાં ઊડવા લાગ્યો! પહેલાં તો તે થોડી ડરી ગઈ, પણ પછી તેને યાદ આવ્યું કે આ તો તેની ‘હવાઈ સફર’ છે. તેણે ફુગ્ગાને મજબૂત પકડી લીધો. તેણે નીચે જોયું તો ગાય એક નાનકડા ટપકા જેવી દેખાતી હતી. હાથીભાઈ તો જાણે રમકડાના હોય તેવા લાગતા હતા!
કીટ્ટુ જોરથી બોલી, “અરે વાહ! જાણે હું વિમાનમાં બેઠી હોઉં એવું લાગે છે!”
ત્યાં જ સામેથી એક કાગડાભાઈ આવ્યા. કાગડાએ લાલ ફુગ્ગો જોયો અને તેને લાગ્યું કે આ કોઈ મોટું ફળ છે. કાગડાએ તો મારી ચાંચ. જેવી એણે ચાંચ મારી તરત ફુગ્ગો ફટાક કરતો ફૂટી ગયો. કીટ્ટુ તો હવામાં ગોથાં ખાવા લાગી. તે “બચાવો, બચાવો” બૂમો પાડવા લાગી. પણ નસીબજોગે, તે એક સૂકા પાંદડા પર પડી જે હવામાં ઊડી રહ્યું હતું. હવે પાંદડું તેનું પેરાશૂટ બની ગયું.
ધીમે ધીમે પાંદડું નીચે આવવા લાગ્યું. કીટ્ટુને નીચે એક તળાવ દેખાયું. પાંદડું બરાબર તળાવના કિનારે બેઠેલા એક દેડકાભાઈની પીઠ પર જઈને પડ્‌યું!
દેડકાભાઈ તો ચમકી ગયા, “ડ્રાઉં… ડ્રાઉં… આ કોણ પડ્‌યું મારી પીઠ પર?”
કીટ્ટુ હસીને બોલી, “દેડકાભાઈ, એ તો હું કીટ્ટુ! તમે જરાય ડરશો નહિ. એ તો હું આકાશની સફર કરીને આવી છું!” દેડકાભાઈને વિશ્વાસ ન આવ્યો, પણ કીટ્ટુની હિંમત જોઈને બધા પ્રાણીઓ તેને ‘પાયલોટ કીડી’ કહેવા લાગ્યા.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭