કાશ્મીરમાં અતિભારે વરસાદ પડતા ઠેકઠેકાણે ભેખડો ધસી પડી હતી.જેના પરિણામે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.જેમાં સંખ્યાબંધ મકાનોને નુકશાન થયું છે.પહાડોમાં તિરાડ સર્જાતા એકથી વધુ ગામો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.ચોમાસાના ભારે વરસાદને પગલે રિયાસી જિલ્લામાં બાંસા નામના ગામડામાં ૩૦ મકાનો જમીનદોસ્ત થયા હતા.પહાડમાં તિરાડો સર્જાતા ગામ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.
અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલ એમ બંને રૂટો પર સ્થગિત કરી દેવામાં આવી હતી.પંચતરણીથી ભાવિકોને આગળ જવા દેવાયા ન હતા.જમ્મુ-શ્રીનગર હાઈવે પર રામવન નજીક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.શ્રીનગર-લેહ હાઈવે પર ૧૪ સ્થળોએ ભેખડો ધસી પડવાના બનાવ બનતા ટ્રાફીક અટકાવાયો હતો.જેલમ નદી પણ ગાંડીતૂર બની ગઇ હતી.આમ ભારે વરસાદમાં તમામ માર્ગો જળબંબાકાર થયા હતા.સુરંગકોટમાં ભારે વરસાદથી પૂરની હાલત સર્જાતા શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી.જેમાં જેલમ નદીનું જળસ્તર ૩ ફૂટ વધી ગયું છે.પહેલગામમાં ૩૧.૪ મીમી વરસાદ નોંધાયો હતો.
આ સિવાય બનીહાલ, કાજીગુંડ, કૂપવાડા, કોકરનાર, શ્રીનગર,ગુલમર્ગ સહિત રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.