ભારત સરકાર દ્વારા બ્રિટિશ સંસ્થાનવાદી કાયદો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર ૧૯૭૩માં સુધારો કરીને ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિય અમલમાં લાવતા આપણને કંઠસ્થ થઈ ગયેલી આઇપીસીની વિવિધ કલમો હવે વ્યવહારૂ રૂપમાં કામમાં તો આવવાની નથી પરંતુ જનતાને જે સરળતા મળશે/ મળી રહી છે તે બહુ મહત્વની છે.
બ્રિટિશ સાશન વખતના જુના કાયદાઓમાં સુધારા કરીને વર્ષ ૨૦૨૩માં અમલી કરાયેલ નવો કાયદો લોકોની સુરક્ષા માટે બનાવાયો હોવાથી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો પોલીસ દ્વારા પણ થઈ રહ્યા છે. ભારતીય ન્યાય વ્યવસ્થામાં થયેલ એક નવા યુગની શરૂઆતને કેટલાક વકીલો અને સામાજિક કાર્યકરો સ્વીકાર કરી રહ્યા નથી પરંતુ આધુનિક સમયમાં એ સુધારા જરૂરી હતા અને સરકારે તે કર્યા છે.
ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) કાયદાના મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ. એફઆઈઆર માટે ડિજિટલ વ્યવસ્થા: ફરિયાદ લખાવવા હવે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જવું નહીં પડે, એફઆઈઆર માટે ડિજિટલ વ્યવસ્થા થઈ છે. આ નવા કાયદામાં ઓનલાઈન, વોટ્સએપ, ઇમેઇલ અથવા વીડિયો રેકોર્ડિંગ દ્વારા પણ ફરિયાદ થઈ શકશે.
પીડિતને મળશે માહિતીનો અધિકારઃ જેની સામે ગુનો થયો છે તેની સામે પોલીસ દ્વારા શું પગલાં લેવાયા તેની રેગ્યુલર માહિતી મળશે. ફોરેન્સિક તપાસ ફરજીયાત: સાત વર્ષથી વધુ સજા વાળા કેસોમાં ફોરેન્સિક એવિડન્સ લેવું ફરજીયાત બનાવાયું છે. ઝીરો નંબર એફઆઈઆરઃ ઝીરો નંબર એફઆઈઆર એટલે ગુનો ગમે ત્યાં બન્યો હોય પરંતુ આપ ગમે તે પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ લખાવી શકશો. જોકે આ વ્યવસ્થા હતી જ પરંતુ કેવા સંજોગોમાં ઝીરો નંબરથી એફઆઇઆર લેવી તે બાબતે ભારે વિવાદો હતા. મહિલાઓ માટે ખાસ સુવિધા: આ નવા કાયદા મુજબ મહિલાઓને લગતા છેડતી, બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓની ફરિયાદ મહિલા પોલીસ અધિકારી દ્વારા જ લેવાશે અને તેની કાર્યવાહી કેમેરામાં કેદ થશે.
સમય મર્યાદા: કોઈપણ કેસની પોલીસ તપાસ ૯૦ દિવસમાં પૂર્ણ કરીને ચાર્જશીટ ૬૦ દિવસમાં રજૂ કરી ઝડપી ચુકાદાની થઈ છે. જોકે આ વ્યવસ્થા કેટલી કારગર બને તેમ છે તે બાબતે અનેક પ્રશ્નાર્થ છે. કારણ કે જે રીતે મોડો મળેલો ન્યાય એ ન્યાય નથી તે રીતે ઉતાવળે આપી દીધેલો ન્યાય પણ જો કાચો હોય તો તે પણ ન્યાય નથી !
ઓન લાઇન જુબાનીઃ સાક્ષીઓને કોર્ટમાં ઓનલાઈન જુબાની આપવાની તક મળતાં હવે અધિકારીઓ અને સાક્ષીઓ તથા કોર્ટના સમયનો બચાવ થશે. આધુનિક સમયની આ વ્યવસ્થા અત્યંત આવકારદાયક છે કારણ કે સમય જે ગતિથી ચાલી રહ્યો છે તે ગતિમાં કાયદાની વિવિધ વ્યવસ્થાઓએ પણ આધુનિક બનવું પડે અને તે વ્યવસ્થા થઈ છે તે સારી બાબત છે.
naranbaraiya277@gmail.com