નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી વચગાળાના વડા પ્રધાન બન્યા પછી, હવે નેપાળના રસ્તાઓ પર શાંતિ છે અને હિંસા બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. પરંતુ જે હિંસા ફાટી નીકળી તેમાં કાઠમંડુ ખીણમાં ૩૦ થી વધુ પોલીસ ચોકીઓ અને પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાઠમંડુમાં હિંસાગ્રસ્ત રસ્તાઓ અને કાટમાળ સાફ કરવા માટે સ્વયંસેવક જૂથો અને યુવાનો કામ કરી રહ્યા છે. કાટમાળ વચ્ચે પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. મદદ માટે સતત કોલ પણ આવી રહ્યા છે.
આજથી, પશુપતિનાથ મંદિર બધા ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે નેપાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી હોવાથી નેપાળના રાજકારણમાં આગળ શું થશે તેના પર બધાની નજર છે.
સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારની ભલામણ પર સંસદ ભંગ કર્યા પછી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ જાહેરાત કરી હતી કે ૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ નવી ચૂંટણીઓ યોજાશે. તમને જણાવી દઈએ કે નેપાળમાં એક અઠવાડિયા સુધી હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા, ત્યારબાદ તત્કાલીન પીએમ કેપી શર્મા ઓલીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર રચાઈ.
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વચગાળાની સરકારની રચના પછી, રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી, જેનો નેપાળી કોંગ્રેસ, નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માકસીસ્ટ લેનિનિસ્ટ) અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી સેન્ટર) સહિત લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, ૧૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૧ વાગ્યાથી સંસદ ભંગ કરવામાં આવી હતી. નેપાળમાં કાઠમંડુ સહિત દરેક જગ્યાએ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.







































