“કાચબાભાઈ, ચાલોને આપડે દોડની હરીફાઈ કરીએ. ઘણા સમયથી આપણે નથી કોઈ રમત રમ્યા કે નથી કોઈ હરીફાઈ યોજી.” – સસલો બોલ્યો.
“સસ્સાભાઈ, આમ શું મારી મશ્કરી કરો છો. આ તમે ક્યાં ને હું ક્યાં! હું થોડો તમારી જેમ ઝડપથી દોડી શકવાનો હતો! હું તો ધીમેધીમે મારું વજનદાર શરીર લઈને માંડમાંડ ચાલું છું. ત્યાં વળી ક્યાં તમે ઝડપથી દોડવાની વાત કરો છો!” – કાચબાએ હળવેથી અને નરમાશથી કહ્યું.
“કાચબાભાઈ, તમે ચિંતા ન કરો. આપણે ખાલી એમ જ રમવાનું છે. ચાલો હું ધીમે ધીમે દોડીશ બસ! પણ તમે હરીફાઈ માટે તૈયાર થાવ.” – સસલાએ કાચબાને ગમે તેમ કરી હરીફાઈ માટે મનાવી લીધો.
અંતે કાચબો હરીફાઈ માટે તૈયાર થયો. કાચબાને ખબર હતી કે હું સસલા જેટલો ઝડપથી દોડી શકવાનો નથી. પણ મિત્રનું માન રાખવા એ તૈયાર થયો. આખરે હરીફાઈ શરૂ થઈ. સસલો સનનન કરતો બંદૂકમાંથી ગોળી છૂટે એમ દોડ્યો. જોતજોતામાં એણે નક્કી કરેલી હદ પાર કરી દીધી અને હરીફાઈ જીતી ગયો. જ્યારે કાચબો હજુ ઘણો પાછળ હતો.
“અરે કાચબાભાઈ! તમે તો બહુ ધીમા. તમે સાવ માંદાની જેમ ચાલો છો. જો તમે કહેતા હોવ તો ચાલો આપણે ફરીથી હરીફાઈ કરીએ” – સસલાએ જરા અભિમાનથી કહ્યું.
સસલાની વાત સાંભળી કાચબાએ કહ્યું, “જુઓ સસલાભાઈ! એક તો તમારું શરીર સાવ હલકું અને તમારી દોડવાની ઝડપ પણ વધારે. હું તમારી જેમ દોડી શકું તેમ નથી. માટે આપણે હરીફાઈની રીત બદલીએ. આ વખતે આપણે જરૂર હરીફાઈ કરીશું. પણ હું કહું ત્યાં આપણે પહોંચવાનું છે.”
અભિમાનના આવેગમાં સસલો બેફિકરાઈથી બોલ્યો, “કાચબાભાઈ! એમાં વળી શું! તમે કહો ત્યાં હું દોડીશ. બોલો ક્યાંથી દોડવાનું છે ને ક્યાં પહોંચવાનું છે?”
કાચબાના કહ્યા મુજબ સસલો હરીફાઈ માટે તૈયાર થઈ ગયો. એણે કશોય લાંબો વિચાર ન કર્યો. એને એમ કે કાચબો ગમે ત્યાં દોડવાનું કહે પણ કાચબો ક્યાં જીતવાનો છે! આખરે જીત મારી પાક્કી છે!
હરીફાઈ ફરી શરૂ થઈ. સસલાએ ફરી તેજ ગતિએ દોડવાનું શરૂ કર્યું. કાચબા કરતાં ફરી એ ઘણો આગળ નીકળી ગયો. કાચબો હજુ કયાંય પાછળ હતો. પણ આ શું ! દોડતાં દોડતાં સસલો અચાનક ઊભો રહી ગયો. હવે એ આગળ જઈ શકે તેમ ન હતો. એણે ઘણો વિચાર કર્યો. પણ એની ઝડપ હવે કામ લાગે તેમ ન હતી. એણે જરા પાછા ફરીને જોયું. કાચબો સાવ નજીક હતો. એણે આગળ જવા ઘણી ઉછળકૂદ કરી. પણ એ ફાવ્યો નહિ.
હવે કાચબો છેક પાસે આવી ગયો. એ હસ્યો ને બોલ્યો, “કેમ અટકી ગયા સસલાભાઈ! દોડો દોડો, જાવ ખુબ દોડો, આગળ જાવ ને જીતી જાવ!” એમ કહેતાં કાચબો નદીના પાણીમાં પડ્યો. એ તો તરતો તરતો સામે કિનારે પહોંચી ગયો ને જીતી ગયો. સસલો જોતો જ રહ્યો.
કાચબો પાછો આવ્યો ને સસલાને કહ્યું, “કેમ સસલાભાઈ! ચાલો, ફરી હરીફાઈ કરીશું!” સસલો હસ્યો. એને બધું સમજાઈ ગયું. Mo ૯૦૯૯૧૭૨૧૭૭