ગુજરાતની આન-બાન અને શાન ગણાતા સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ મંડરાઇ રહ્યું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં ૨ સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થતાં ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા ૧૧ સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ૯ સિંહબાળ અને ૧ સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જે સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમની હાલત અત્યંત નાજુક છે. ૨ સિંહબાળના શંકાસ્પદ મોત અને અન્યની નાજુક હાલત જાતા વનવિભાગમાં ચિંતા વ્યાપી છે અને સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વનવિભાગ દોડતું થયું છે. જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર, માઇન્સ વિસ્તાર અને ઉદ્યોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સિંહબાળના સેમ્પલ લેવામાં આવશે અને એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે.
વિપુલ લહેરી (પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન અમરેલી)એ જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૮ માં પણ રોગચાળાના કારણે ૨૨ સિંહો મૃત્યુ પામ્યા હતા. આ બનાવ બાદ સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ટેસ્ટ થાય અને લેબોરેટરી થાય જેથી કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે કે કેમ? તેનો ખ્યાલ આવી શકે તેવી માંગ ઉઠી છે.’