default

કાગવડના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. હાલ દિવાળીનો પર્વ શરૂ થઈ ચુક્યો છે ત્યારે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દરરોજ દર્શનાર્થે પધારશે. દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ મંદિર અને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્‌યું છે. દિવાળી અને નૂતન વર્ષના પર્વની સૌને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે શુભકામના પાઠવી છે. પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ ૫૦૦થી વધુ સ્વયંસેવકો અને ટ્રસ્ટનો સ્ટાફ સેવા બજાવશે. વિશાળ ૪ જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે. દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરાશે અને મંદિર પરિસરમાં અવનવી રંગોળી પૂરાશે. ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.