રાજ્યની રાજકીય દિશા નક્કી કરતી ગણાતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી ફેબ્રુઆરીના અંત સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાઓ સહિત ૩૦ જિલ્લા પંચાયતો, ૮૧ નગરપાલિકાઓ તથા અંદાજે ૨૫૦ તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થવા જઈ રહી છે. મુદ્દત પૂરી થતાં જ આ તમામ સંસ્થાઓમાં ચૂંટાયેલા શાસનનું સ્થાન વહીવટદારો લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરીના અંતથી આ તમામ સંસ્થાઓ વહીવટી તંત્રના હાથમાં જશે. મહાનગરપાલિકાઓમાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપાશે. જ્યારે જિલ્લા પંચાયતોમાં આઈએએસ કેડરના અધિકારીઓ નિયુક્ત કરાશે. નગરપાલિકાઓમાં ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદારને તથા તાલુકા પંચાયતોમાં ટીડીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવશે. આ વ્યવસ્થા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી યથાવત રહેશે. રાજ્ય ચૂંટણી આયોગે પણ અંદરખાને તૈયારીઓ આરંભી દીધી છે.
૧૪ ફેબ્રુઆરીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થવાની છે. આ યાદી આધારે રાજ્ય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતવિસ્તાર, વોર્ડરચના અને મતદાન કેન્દ્રોની ગોઠવણી કરશે. માર્ચ મહિના દરમિયાન મતદાર મંડળોની અંતિમ રચના પૂરી કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણીનું ઔપચારિક એલાન થઈ શકે છે. ત્યારબાદ મે મહિનાના મધ્ય ભાગમાં મતદાન યોજાય તેવી પૂરી સંભાવના છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેના પરિણામો આવનારી વિધાનસભાની ચૂંટણી પર સીધી અસર પાડતા હોય છે.
નવ રચિત મહાનગરપાલિકાઓમાં હાલમાં જ વહીવટદારો કાર્યરત છે. બનાસકાંઠા તથા નવી રચાયેલ વાવ–થરાદ જિલ્લા પંચાયતોમાં પણ ચૂંટાયેલ બોડી નથી, તેથી ત્યાં પહેલેથી વહીવટી શાસન ચાલે છે. ફેબ્રુઆરી બાદ સમગ્ર રાજ્યમાં આવી સ્થિતિ વ્યાપક બનશે.
રાજકીય પક્ષોએ પણ અંદરખાને ઉમેદવારોની પસંદગી, સંગઠન મજબૂત કરવું અને મતદારો સુધી પહોંચવાની રણનીતિ ઘડવાનું કામ શરૂ કરી દીધું છે. ગામડાંથી લઈને મહાનગરો સુધી રાજકીય ગરમાવો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સૌથી મોટો રાજકીય મોરચો ગણાશે. ૨૭ ટકા ઓબીસી અનામત અમલ સાથે યોજાનારી આ પહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હશે.
કુલ ૧૫ મહાનગરપાલિકાઓ (નવ નવી + છ જૂની)ની ચૂંટણી યોજાશે, જે ૬૮ વિધાનસભા બેઠકોને સીધી અસર કરશે. ૩૨ જિલ્લા પંચાયતો (એક નવી અને ૩૧ જૂની) માટેનું મતદાન ૧૦૪ વિધાનસભા ક્ષેત્રોને અસર કરશે. ૨૪૯ તાલુકા પંચાયતોની ચૂંટણી પણ અંદાજે ૧૦૪ બેઠકોના રાજકીય સમીકરણ બદલી શકે છે. ૮૦ નગરપાલિકાઓના પરિણામો ૭૪ વિધાનસભા બેઠકો પર અસરકારક સાબિત થશે. આ રીતે રાજ્યની ૧૮૨માંથી ૧૭૦થી વધુ વિધાનસભા બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળશે, તેથી તમામ રાજકીય પક્ષો માટે આ ચૂંટણી અત્યંત મહત્વની બની રહી છે.







































