સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી, કહ્યું કે પોલીસ કસ્ટડીમાં થતી હિંસા અને મૃત્યુ આપણી સિસ્ટમ પર એક “મોટો કલંક” છે અને દેશ હવે તેને કોઈપણ સંજાગોમાં સહન કરશે નહીં.
સુપ્રીમ કોર્ટ દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાની ખામી સંબંધિત સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટે આઠ મહિનામાં રાજસ્થાનમાં ૧૧ કસ્ટોડિયલ મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. બે ન્યાયાધીશોની બેન્ચ, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે, “દેશ હવે આવી ઘટનાઓને સહન કરશે નહીં. આ સિસ્ટમ પર એક કલંક છે. કસ્ટોડિયલ મૃત્યુ ચાલુ રહી શકે નહીં.”
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોઈ પણ કસ્ટોડિયલ મૃત્યુને યોગ્ય ઠેરવી શકે નહીં. જો કે, કેન્દ્ર સરકારે હજુ સુધી તેનો પાલન અહેવાલ દાખલ કર્યો નથી તે અંગે કોર્ટ નારાજ હતી. કોર્ટે આ અંગે તીક્ષ્ણ પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું, “કેન્દ્ર સરકાર આ કોર્ટને કેમ હળવાશથી લઈ રહી છે?” આ પછી, કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવાનું વચન આપ્યું હતું.
૨૦૧૮ અને ૨૦૨૦ માં, સુપ્રીમ કોર્ટે સીબીઆઈ, ઇડી અને એનઆઈએ જેવી કેન્દ્રીય એજન્સીઓના તમામ પોલીસ સ્ટેશનો અને કાર્યાલયોમાં સંપૂર્ણ કવરેજવાળા સીસીટીવી કેમેરા અને રેકો‹ડગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. જાકે, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અત્યાર સુધીમાં ફક્ત ૧૧ રાજ્યોએ તેમના અહેવાલો રજૂ કર્યા છે. ઘણા રાજ્યો અને ઘણા કેન્દ્રીય વિભાગોએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ અન્ય હજુ પણ પાછળ છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશે અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું છે, દરેક પોલીસ સ્ટેશન અને ચોકી જિલ્લા નિયંત્રણ ખંડ સાથે લાઈવ કનેક્ટેડ છે. બેન્ચે આની પ્રશંસા કરી.સુનાવણી દરમિયાન, અમેરિકન મોડેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યાં સીસીટીવી લાઈવ-સ્ટ્રીમ થાય છે અને કેટલીક ખાનગી જેલો અસ્તીત્વમાં છે. સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા, સીએસઆર ફંડનો ઉપયોગ કરીને ખાનગી જેલો બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ અંગે, કોર્ટે જણાવ્યું હતું કે તે પહેલાથી જ ઓપન-એર જેલ મોડેલ પર કેસ પર વિચાર કરી રહી છે, જે જેલોમાં ભીડભાડ અને હિંસા જેવા મુદ્દાઓને ઘટાડી શકે છે.
કોર્ટે આદેશ આપ્યો હતો કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી તેમના અહેવાલો રજૂ કર્યા નથી તેમણે ત્રણ અઠવાડિયામાં તેમની માહિતી રજૂ કરવી પડશે. જો અહેવાલો રજૂ કરવામાં નહીં આવે, તો તે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ગૃહ વિભાગના મુખ્ય સચિવને કોર્ટમાં હાજર રહેવાની જરૂર પડશે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જો કેન્દ્રીય એજન્સીઓ પાલન નહીં કરે, તો તેમના ડિરેક્ટરોને સમન્સ પાઠવવામાં આવશે. કોર્ટે સમગ્ર મામલાની સુનાવણી ૧૬ ડિસેમ્બર માટે સૂચિબદ્ધ કરી છે. ત્યાં સુધીમાં, બધા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારે તેમના અહેવાલો રજૂ કરવા પડશે.









































