પ્રસ્તાવના અને ઇતિહાસઃ વર્ષોથી આપણે બાગાયતી ફળપાકોના છોડમાં કલમ બનાવીએ છીએ તે સામાન્ય છે. પરંતુ તાજેતરમાં જ શાકભાજીમાં કલમ બનાવવાની રીત આધુનિક ખેતી લોકપ્રિય બની છે. શાકભાજીના રોપાઓમાં કલમ બનાવવી એ પૂર્વ એશિયામાં ઘણાં વર્ષોથી અમલમાં મૂકાયેલ એક અનન્ય બાગાયતી તકનીક છે, જે મર્યાદિત ખેતીલાયક જમીનનો ઉપયોગ કરીને સઘન ખેતી સાથે સંકળાયેલા મુદ્દાઓને દૂર કરે છે. ૨૦ મી સદીના અંતમાં યુરોપ અને અન્ય દેશોમાં આ તકનીકની રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં, યુરોપમાંથી ઉત્તર અમેરિકામાં કલમ બનાવવાની શરૂઆત કરવામાં આવી. આ પધ્ધતિ હવે ગ્રીનહાઉસ ઉત્પાદકો અને ઓર્ગેનિક ઉત્પાદકોને આકર્ષિત કરી રહી છે.
કલમ એ એક વાનસ્પતિક પ્રસર્જનની પધ્ધતિ છે. જેમાં બે જીવંત છોડના ભાગ (રૂટસ્ટોક- મૂલકાંડ અને સાયન- ઉપરોપ) ને એક સાથે જોડીને એક છોડ તરીકે વધવા દેવામાં આવે છે. અહી રૂટસ્ટોક એટલે કે જેના પર કલમ ચઢાવવાની છે અને સાયન એટલે જે છોડનો કલમ તરીકે ઉપયોગ કરવાનો છે. આમ કરવાથી સાયન છોડના સારા ગુણધર્મવાળો અને રૂટસ્ટોકના સારા લક્ષણો વાળો એક છોડ તૈયાર થાય છે. શાકભાજીમાં કલમ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ અનેક જૈવિક અને અજૈવિક પરિબળોનો પ્રતિકાર કરી, પાકનો સારો વિકાસ, ઉપજ અને ગુણવત્તા સુધારવાનો છે.
હાલમાં કલમ માટે પ્રચલિત પાકોઃ કલમ બનાવવા માટે સામાન્ય રીતે કોળા પર કાકડીની કલમ, દુધી પર તરબૂચ, રીંગણ પર કે દેશી ટામેટાની જાતો પર વેલાવાળા ટામેટા અને તરબૂચ પર હાઇબ્રીડ કાકડીની કલમ બનાવવી પ્રચલિત છે. સતત એક જ
આભાર – નિહારીકા રવિયા પાકનું વાવેતર કરવાથી શાકભાજીના પાકોમાં ૫૦ ટકાથી વધારેનો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
કલમ બનાવવાનો ઉદ્દેશ/લાભ :
• શાકભાજીના પાકોને ફૂગ અને બેક્ટેરિયાથી થતા સુકારા સામે રક્ષણ પુરૂ પાડવાનો છે.
• રોગ અને જીવાતથી થતું નુકસાન ઘટાડવું.
• નેમેટોડથી થતું નુકસાન ઘટાડવું.
• વાતાવરણમાં થતા ફેરફારોને સહન કરવાની ક્ષમતા વધારવી.
• પાણી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવો.
• લણણીના સમયમાં ફેરફાર કરીને ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરવો.
કલમ બનાવતા પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતો….
• રૂટસ્ટોક- મૂલકાંડ અને સાયન- ઉપરોપ તેમજ બન્ને વચ્ચે સુસંગતતા હોવી જરુરી છે.
• સ્ક્રીનઘરનો ઉપયોગ કલમ બનાવ્યા પહેલા બીજમાંથી છોડનો ઉછેર કરવા માટે થાય છે. જાળીદાર નાયલોનની નેટ તેમજ યુ.વી.(અલ્ટ્રાવાયોલેટ) કિરણો પ્રતિરોધક પ્લાસ્ટીકનો ઉપયોગ કરીને સ્ક્રીનઘર બનાવવામાં આવે છે.
• કલમ બનાવવાની અને વિકાસ પામવાની જગ્યાનો (હિલીંગ /તંદુરસ્ત કલમ ચેમ્બર) ઉપયોગ કલમ બનાવી લીધા પછી તેને ૭-૧૦ દિવસ અહી મૂકી રાખવા માટે થાય છે. તેનાથી વધારે ભેજનું પ્રમાણ અને મહત્તમ તાપમાન જાળવી શકાય છે. સાથે સાથે પ્રકાશની તીવ્રતામાં અને બાષ્પીભવનમાં ઘટાડો કરી શકાય છે.
• કલમ બનાવ્યા પહેલા રૂટસ્ટોક- મૂલકાંડ અને સાયન- ઉપરોપને સૂર્યપ્રકાશમાં રાખવા.
• રૂટસ્ટોક પાસેની માટીને વધારે ભીની ન રાખવી.
• કલમ બનાવતા પહેલા રૂટસ્ટોક અને સાયનની પસંદગી તેનો ઘેરાવો અને કદ જેવા ગુણધર્મોને ધ્યાને રાખીને કરવી જરૂરી છે.
• કલમને ત્રણ દિવસ માટે ૧૦૦% ભેજવાળા વાતાવરણમાં રાખવી અને પછી ધીમે-ધીમે ભેજનું પ્રમાણ ઘટાડવું.
• ભારે વરસાદની સીધી અસરથી છોડને રક્ષણ આપવા માટે ગાદી ક્યારાને સંપૂર્ણ રીતે પ્લાસ્ટીક વડે ઢાંકી દેવામાં આવે છે.
• ફેરરોપણી સમયે કલમ કરેલો ભાગ જમીનથી ઉપરના ભાગે રાખવો.
• ફેરરોપણી કરેલા છોડને ટેકો/આધાર આપવો.
શાકભાજી માટેની વિવિધ કલમ પધ્ધતિઓઃ
• ફાટ કલમ
• જીભ/અભીગમ/ અક્ષત નિવેશ કલમ (અપ્રોચ કલમ)
• એક-બીજદળ/સાંધાવાળી કલમ
• ટ્યુબ કલમ
• પીન કલમ
• સુક્ષ્મ કલમ
• મશીન દ્વારા કરાતી કલમ
ઉપરોક્ત પધ્ધતિ પૈકી જીભ/ અભિગમ/ અક્ષતનિવેશ કલમ (એપ્રોચ કલમ) વધારે પ્રચલિત છે. દા.ત. કાકડી, તરબૂચની રીતઃ કલમ બનાવતા પહેલા સૌપ્રથમ એક કલાક પૂર્વે રૂટસ્ટોક- મૂલકાંડના પર્ણો ધારદાર ચપ્પા (સ્કાલપેલ કે બ્લેડ)થી દુર કરીને કાપને તૈયાર કરવામાં આવે છે. આ કાપ એવી રીતે કરવામાં આવે છે કે જેથી ઉપરના છેડે અંગ્રેજી ‘વી’ જેવો આકાર દેખાય. એ જ રીતે સાયન- ઉપરોપમાં પણ નીચેના છેડે અંગ્રેજી ‘વી’ જેવો આકાર રચાય તે રીતે કાપ મૂકો. ઉપરોપને મૂલકાંડ પર એવી રીતે ગોઠવો કે જેથી બંનેની ખુલ્લી પડેલી સપાટી વચ્ચે જરા પણ જગ્યા ન રહે અને જૂથ / યુનિયન એકદમ સીધું રહે અન્યથા ત્યાંથી સડો કે સુકાવાની શક્યતા રહે છે. તૈયાર થતી કલમમાંથી પાણી ઉડી ન જાય તે માટે કલમો પર ઝીણાં/ બારીક ફોરા પડે તેમ પાણીનો છંટકાવ કરો.