માણસ મંદિરમાં ભગવાનની મૂર્તિનાં દર્શન કરવા દાખલ થાય છે ત્યારે એના મનમાં જે નમ્રતા અને નૈતિકતા પ્રગટ થાય છે એવી નમ્રતા અને નૈતિકતા જો એના મનમંદિરમાં કાયમ માટે પ્રગટ રહે તો એના માટે સંસાર સ્વર્ગ સમાન બની રહે છે. નમ્રતા એ વ્યક્તિની સંબંધો બાંધવાની અને જાળવી રાખવાની પુંજી છે. ‘નમે તે સૌને ગમે’ એ કહેવત મુજબ વાતમાં, વ્યવહારમાં કે વર્તનમાં નમ્રતા રાખનાર વ્યક્તિ સૌને પ્રિય લાગે છે. પોતાની નમ્રતા સામેના વ્યક્તિને પણ નમ્રતા માટે પ્રેરે છે પરિણામે તેને પણ સૌ પ્રિય લાગે છે. આમ નમ્રતા એ સંબંધો સાચવવાની ચાવી છે. નમ્રતા એ નબળાઈ નથી પણ વ્યક્તિની આંતરિક તાકાત છે. ગાંધીજીના જીવનમાં ડોકિયું કરશો તો ખ્યાલ આવશે કે તેમણે અંગ્રેજોના અનેક અન્યાયો અને અપમાનનો ઉદ્ધતાઈથી નહિ પણ નમ્રતાથી વિરોધ કર્યો હતો. અન્યાયી કાળા કાયદાઓ અને ફરમાનનો વિરોધ પણ સવિનય કાનૂન ભંગ દ્વારા કરેલો. દાંડીકૂચ હોય કે રોલેટ એક્ટ હોય, હિંદ છોડો આંદોલન હોય કે પૂર્ણ સ્વરાજની માંગણી હોય હર વખતે ગાંધીજીએ નમ્રતા અને નૈતિકતા જાળવીને જ લડત આપેલી અને એટલે જ સફળતા એના ચરણોને ચુમતી આવી હતી. પરિણામ એના પગ પખાલતું મળ્યું હતું. જેમ સત્ય, સુગંધ અને સાદગી ધીમે ધીમે પણ દૂર દૂર સુધી ફેલાય છે તેમ ગાંધીજીના સદગુણો ધીમે ધીમે જગત આખામાં ફેલાયેલ છે. ભગવાન રામચંદ્રની સમગ્ર જીવન લીલામાં પણ નમ્રતા અને નૈતિકતાના મૂળ આધાર પર કર્તવ્ય સ્મરણ સાથે સત્યના પંથે ચાલવાનો સંદેશ સમાયેલ છે. પિતાએ માતાને આપેલ વચનનું પાલન કરવું એ પોતાનું કર્તવ્ય સમજીને જરા પણ અસ્વસ્થ થયા વિના એક બે દિવસ કે મહિના નહિ પણ પૂરા ચૌદ વર્ષ માટે વનવાસની સ્વીકૃતિ એ નમ્રતા અને નૈતિકતા સાથે સો ટકા કર્તવ્ય સ્મરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સક્ષમ હોવા છતાં નમવું એ સર્વશ્રેષ્ઠ શૂરવીરતા છે. આપણે જે મહાપુરુષો અને સદગુરૂના નામ સ્મરણ કરીએ છીએ એ સિદ્ધ પુરુષો સ્વયં કર્તવ્ય સ્મરણમાં માનનારા અને એને પાળનારા હતા. ખુદ જગતના સ્વામી જગદીશ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ હોય કે દેવાધિ દેવ મહાદેવ હોય કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હોય દરેકના જીવન ચરિત્રની ઝાંખી કરીએ તો મૂળમાં મુખ્ય ઉપદેશ નમ્રતા, નૈતિકતા અને કર્તવ્ય સ્મરણનું પાલન કરવાનો જ મળે છે. આમેય જગતમાં જોશો તો જોઈ શકાશે કે વ્યક્તિનું શારીરિક કે ભૌતિક પતન થવા છતાં જો તે નૈતિકતા જાળવી રાખે તો સમાજમાં માન પાન યથાવત રાખી શકે છે. એનાથી ઉલટું, શારીરિક અને ભૌતિક સમૃદ્ધિની જાહોજલાલી વચ્ચે પણ જો તેનું નૈતિક અધઃપતન થયું તો તે વ્યક્તિ કોઈના ભરોસાને લાયક રહેતી નથી.માત્ર પૈસા નહિ પણ સાથે પ્રેમ હોય, માત્ર મોટાઈ નહિ પણ સાથે માણસાઈ હોય, માત્ર સત્તા નહિ પણ સાથે નમ્રતા હોય, માત્ર ઉપદેશ નહિ પણ સાથે આચરણ હોય અને માત્ર પ્રભુ સ્મરણ નહિ પણ સાથે કર્તવ્ય સ્મરણ હોય તો જ વ્યક્તિ સૌના હૃદયમાં માનવંતા સ્થાન મેળવી શકે છે. આ સાથે જગતમાંથી જડેલી અને જીવન સાથે જોડાયેલી કેટલીક જાણવા, માણવા અને સમજવા જેવી વાતોને વાગોળીએ તોઃ શબ્દોનો પણ સ્વાદ હોય છે સત્ય હોય તો કડવો લાગે છે અને અસત્ય હોય તો મીઠો લાગે છે. ભૂલનું પણ કદ હોય છે. પોતાની હોય તો નાની લાગે છે અને બીજાની હોય તો મોટી લાગે છે. વાતનું પણ અંતર હોય છે. ગમતી હોય તો ટૂંકી લાગે છે અને ના ગમતી હોય તો લાંબી લાગે છે. આંસુનું પણ તાપમાન હોય છે, હરખનું હોય તો હૂંફાળું લાગે છે અને દુઃખનું હોય તો દજાડે છે. સંબંધમાં પણ સ્વાર્થ હોય છે, ગરજ હોય ત્યારે ગાઢ લાગે છે અને ગરજ ના હોય ત્યારે વ્યર્થ લાગે છે. આ બધાની વચ્ચે રહીને પ્રભુ સ્મરણની સાથે કર્તવ્ય સ્મરણનું પાલન કરીએ તો સૌનો પાલનહાર પરમેશ્વર જરૂર રાજી રહેશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.