કર્ણાટકના સહકારી મંત્રી કે.એન. રાજન્નાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે, રાજન્નાએ વિધાન સૌધામાં મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સહકાર મંત્રી કે.એન. રાજન્નાનું રાજીનામું સ્વીકારી લીધું છે. સોમવારે કર્ણાટક વિધાનસભા સત્ર દરમિયાન આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો, જ્યારે ભાજપના ધારાસભ્યોએ કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટિલ અને રાજન્ના પાસેથી આ મામલે પરિસ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે સીએમ સિદ્ધારમૈયાના નજીકના સાથી અને રાજ્ય સરકારમાં મંત્રી કે.એન. રાજન્ના છેલ્લા બે મહિનાથી સમાચારમાં હતા જ્યારે તેમણે દાવો કર્યો હતો કે ‘ઓગસ્ટ ક્રાંતિ’ થશે, જે સરકારમાં મોટો ઉલટફેર સૂચવે છે. અગાઉ, કે.એન. રાજન્નાએ પણ મતદાર યાદીમાં કથિત છેડછાડ પર પાર્ટીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. રાજન્નાએ કર્ણાટક કોંગ્રેસના નેતાઓને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમાં ગેરરીતિઓ હતી, ત્યારે તેની ફરિયાદ કેમ ન કરવામાં આવી?
કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પરના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું, જુઓ… જા આપણે આવી વાતો કરવાનું શરૂ કરીશું, તો અલગ અલગ મંતવ્યો બહાર આવશે. મતદાર યાદી ક્યારે તૈયાર કરવામાં આવી હતી? તે ત્યારે તૈયાર કરવામાં આવી હતી જ્યારે આપણી પોતાની સરકાર સત્તામાં હતી. તે સમયે, શું બધા આંખો બંધ કરીને શાંતિથી બેઠા હતા? આ ગેરરીતિઓ થઈ હતી, આ સાચું છે. આમાં કંઈ ખોટું નથી.
રાજન્નાએ કહ્યું કે આ ગેરરીતિઓ અમારી આંખો સામે થઈ, અમને શરમ આવવી જાઈએ. અમે તે સમયે ધ્યાન આપ્યું ન હતું. તેથી, ભવિષ્યમાં આપણે સાવધ રહેવું પડશે… મહાદેવપુરામાં ખરેખર છેતરપિંડી થઈ હતી. એક વ્યક્તિ ત્રણ અલગ અલગ જગ્યાએ નોંધણી કરાવી હતી અને ત્રણેય જગ્યાએ મતદાન કર્યું હતું. પરંતુ જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થાય છે, ત્યારે આપણે તેનું નિરીક્ષણ કરવું જાઈએ, ખરું ને? જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થાય છે, ત્યારે આપણે વાંધો નોંધાવવો જાઈએ. આ આપણી જવાબદારી છે. તે સમયે અમે ચૂપ રહ્યા હતા અને હવે અમે વાત કરી રહ્યા છીએ.કેએન રાજન્નાના આરોપો પર, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે કેએન રાજન્નાના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. તેમને ખબર નથી. મારા મુખ્યમંત્રી અને મારી પાર્ટી હાઇકમાન્ડ આનો જવાબ આપશે.