હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને પાકના સંરક્ષણ માટે આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. ખેડૂતોને કાપણી કરેલો પાક ખુલ્લામાં ન રાખી સલામત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકી દેવાની સલાહ આપવામાં આવી છે. ખાતર અને બિયારણ સુરક્ષિત રીતે સંગ્રહ કરવું. એ.પી.એમ.સી.માં અનાજને શેડ હેઠળ રાખવા તથા જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.