અમરેલી જિલ્લામાં હાલમાં પડેલ કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુકસાની સામે સર્વે કરાવી અને વળતર ચુકવવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૪માં કમોસમી વરસાદ પડેલ જેમાં ખેડુતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ. તે અંગે કૃષિમંત્રીએ અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ટુંક સમયમાં સહાય પેકેજ જાહેર કરાશે તેવી હૈયાધારણ આપી હતી. પરંતુ આ સહાય પેકેજ આજદિન સુધી ચૂકવાયેલ નથી. હાલમાં ભરઉનાળામાં સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડેલ છે, જેમાં અમરેલી જિલ્લામાં ખૂબ જ મોટાપાયે બાગાયતી પાકોને નુકસાન થયેલ છે. ફળ, ફુલ અને વૃક્ષો ધરાશયી થયેલ છે, જેમાં ખેડૂતોને હાલની સીઝનમાં ખુબ જ આર્થિક નુકસાની થઇ રહી છે.