ગુજરાત ભારતના અગ્રણી કપાસ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે, અને કપાસની ખેતી અહીંના હજારો ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. કપાસને “સફેદ સોનું” પણ કહેવામાં આવે છે કારણ કે તે કાપડ ઉદ્યોગનો મુખ્ય કાચો માલ છે અને નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ પણ કમાવી આપે છે.
જમીન અને વાતાવરણ: કપાસના પાકને કાળી, મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. વાવેતર માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ જરૂરી છે, જ્યારે ફ્લાવરિંગ અને જીંડવા બેસવાના સમયે સૂકું અને તડકાવાળું હવામાન ફાયદાકારક રહે છે. ગુજરાતની આબોહવા કપાસની ખેતી માટે મોટેભાગે યોગ્ય છે.
વાવેતર પદ્ધતિ: આધુનિક ખેતીમાં બીટી કપાસની જાતોનો ઉપયોગ વધુ પ્રચલિત બન્યો છે, જે જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે. કપાસનું વાવેતર સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં થાય છે. બે હાર વચ્ચે યોગ્ય અંતર રાખવું અને એક છોડથી બીજા છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખવી જરૂરી છે જેથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળી રહે.
રોગ અને જીવાત નિયંત્રણ: કપાસમાં ગુલાબી ઈયળ, લીલી પોપટી, થ્રિપ્સ જેવી જીવાતો અને સુકારા જેવા રોગોનો પ્રશ્ન રહે છે. તેના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) પદ્ધતિ અપનાવવી જોઈએ, જેમાં જૈવિક નિયંત્રણ અને જરૂર પડ્યે જ રાસાયણિક દવાઓનો ઉપયોગ સામેલ છે.
કાપણી અને સંગ્રહ: કપાસના જીંડવા ફાટે એટલે તેને તબક્કાવાર વીણી લેવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા કપાસને યોગ્ય રીતે સંગ્રહ કરવો પણ મહ¥વનો છે જેથી બજારમાં સારો ભાવ મળી શકે.
આમ, યોગ્ય આયોજન, આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ અને સમયસર દેખભાળ દ્વારા કપાસની ખેતી ગુજરાતના ખેડૂતો માટે સમૃદ્ધિનું સાધન બની શકે છે.