કડી વિધાનસભાની પેટાચૂંટણી ૧૯ જૂનના રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે જયદેવપુરા ગામના લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈને ગ્રામજનોએ એક બેઠક બોલાવી હતી. જેમાં સર્વ સંમતિથી પેટા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, ગામમાં કોઈ વિકાસ કાર્યો નથી થયા.. ડ્રેનેજ, રોડ, વરસાદી પાણીનો નિકાલ અને રિ-સરવે જેવા પડતર પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ નથી આવ્યું.. તેવામાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, પડતર પ્રશ્નોનું સમાધાન થશે તો જ ગામના લોકો મતદાન કરશે.. નહિતર કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન કરવા નહીં જાય..
મહેસાણાની કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રમેશ ચાવડા, આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે.
કડી બેઠક વર્ષ ૨૦૧૨માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તીત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ ૨૦૨૨માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી, જેના માટે હવે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.