માઁ ઉમિયા માતાજીની કૃપાથી અમરેલી જિલ્લા ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેરમાં વસતા તમામ કડવા પાટીદાર સમાજના કુટુંબીજનોનો દ્વિતીય સ્નેહમિલન સમારોહ ગુરૂવારે ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહ રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ સમારોહમાં અમરેલી જિલ્લા બાવન ગામ કડવા પાટીદાર સમાજના શિક્ષણ, સરકારી સેવા, તબીબી ક્ષેત્ર, બોર્ડ કે યુનિવર્સિટીમાં રેન્ક મેળવનાર, આધુનિક કૃષિ ક્ષેત્રે કે રમતગમત ક્ષેત્રે પ્રેરણારૂપ યોગદાન આપનાર ૨૮ વિશિષ્ટ પ્રતિભાશાળી મહાનુભાવોનું માનપત્ર, શાલ અને સ્મૃતિચિન્હ આપી સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ પરશોત્તમભાઈ રૂપાલાએ પોતાના સંબોધનમાં સામાજિક પ્રશ્નોના નિવારણ માટે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. તેમણે શૈક્ષણિક હેતુસર અમદાવાદ ખાતે સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિર્માણ કરવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી, સાથે જ સમાજના દરેક સભ્યે દૈનિક માત્ર એક રૂપિયાની બચત શરૂ કરીને મોટા ફંડના નિર્માણ કરવા સૌને અપીલ કરી હતી. સ્નેહમિલન સમારોહના પ્રેરણાસ્ત્રોત અને અમરેલી વિસ્તાર કડવા પાટીદાર જ્ઞાતિ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ઉદ્યોગપતિ મનુભાઈ જાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા હાસ્ય રસની સાથોસાથ પ્રેરણાત્મક દૃષ્ટાંતો આપી સમાજમાં આનંદ, એકતા અને સકારાત્મક વિચારધારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આભારવિધિ પ્રા. એમ.એમ. પટેલે કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ધીરુભાઈ કોટડીયા અને ભાવનાબેન પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.








































