રાજ્ય પોલીસ વડાની કચ્છ મુલાકાત પહેલા જ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ તાલુકાના વડવાળા ગામે, સર્વે નં. ૩૯ ખાતે દારૂની કટીંગ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીએ અચાનક દરોડો પાડી સમગ્ર જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન કુલ ૫,૦૯,૦૬,૨૭૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂ, વાહનો અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
એસએમસીની ટીમે સ્થળ પરથી ૫૬,૦૮૮ આઇએમએફએલ બોટલો કબજે કરી, જેની અંદાજિત કિંમત ૪,૦૦,૮૫,૨૭૦ છે. દારૂના જથ્થાની હેરફેર અને સપ્લાય માટે ઉપયોગમાં લેવાતા ૨ ટાટા ટ્રક, ૩ ટાટા મીની ટ્રક અને ૧ મહિન્દ્રા પિકઅપ સહિત કુલ ૧,૦૮,૨૧,૦૦૦ ના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત ૨ મોબાઇલ ફોન (૨૦,૦૦૦) અને તપાસ માટે ઉપયોગી સાધન (૧,૦૦૦) મળી કુલ મુદ્દામાલ ૫.૦૯ કરોડ સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત દારૂબંધી અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યવાહી બાદ કેસ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે.
એસએમસી દ્વારા દરોડા દરમિયાન નીચેના બે આરોપીઓને ઝડપી પોલીસ હવાલે સોંપવામાં આવ્યા છેઃ જસરામ જગા ભરવાડ, રહે. વિક્રમ, રાપર, કચ્છ વિશાલ બિરેન કરમકમ, રહે. મેઘપર બોરીચી, કચ્છ
રાજ્ય પોલીસ વડાની મુલાકાત પહેલા થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પશ્ચિમ કચ્છ ન્ઝ્રમ્ માં તાજેતરના સત્તા પરિવર્તન બાદ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારમાં વધારો થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે એસએમસીની આ કડક કાર્યવાહી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે. જિલ્લા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કચ્છમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
પધ્ધરમાંથી એસએમસીએ ઝડપેલા ૪ કરોડના દારૂ બાદ પોલીસ સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ પધ્ધરના પીઇ એ.જી. પરમાર,પીએસઆઇ વાય.એસ. ઝાલાને સસ્પેન્ડ કર્યા છે.એએસઆઇ મહેન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ નીલેશ પુનમાભાઈ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પધ્ધર ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ.એમ. મકવાણા અને પીએસઆઇ જાદવની લીવ રીઝર્વમાં બદલી કરવામાં આવી છે.









































