કચ્છ જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. વાસ્તવમાં તાજેતરમાં જ રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની કચ્છ મુલાકાત બાદ પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. આ તરફ હવે ભુજ બોર્ડર રેન્જ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાપર તાલુકાના ભીમાસર (ભુટકિયા) ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અફીણ ડોડાની ખેતી કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે એકર જમીનમાં એક લાખથી વધુ અફીણ ડોડાના છોડ વાવેલા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી સમગ્ર પાક નષ્ટ કરી દીધો હતો. આ કાર્યવાહી છેલ્લા બે દિવસથી સતત ચાલી રહી હતી, જેના કારણે નશાના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થયો છે.
વિગતો મુજબ આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે તેવી શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે.