કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવતા અબડાસામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેતા તાપમાનમાં ઘટાડો થયો છે. અબડાસામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને કારણે લોકોને ભારે ગરમીમાં ઠંડકનો અહેસાસ થયો હતો.
નલિયામાં અચાનક વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં પાણી રસ્તા પર વહેતું જાવા મળ્યું હતું. વરસાદ સાથે ઠંડા પવનને કારણે વાતાવરણ વધુ આહલાદક બન્યું હતું અને લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ખેડૂત વર્ગ માટે આ બદલાતું વાતાવરણ આશાજનક માનવામાં આવી રહ્યું છે, કારણ કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ ખેતી માટે ફાયદાકારક બની શકે છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉ જ હળવા વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી હતી, જે હાલની પરિસ્થતિને ધ્યાનમાં લેતા સાચી ઠરી રહી છે. આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કચ્છમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જ મોસમમાં થોડી ઠંડક પ્રસરી ગઈ છે, જે લોકો માટે રાહતરૂપ બની છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટÙ-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે ૨ એપ્રિલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ; કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે પડવાની શક્યતા છે.