કચ્છ સ્ટેટના ભૂજ તાલુકાના ધાણેટી નજીક વિદેશી દારૂના કટિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આકસ્મિક દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ગાંધીનગરથી આવેલી ટીમે ચોક્કસ બાતમીના આધારે સ્થળને ઘેરી લીધું હતું. પોલીસની ગાડીઓ નજરે પડતાં જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ એસએમસીએ કોર્ડન કરીને દારૂનો જંગી જથ્થો તેમજ સંકળાયેલા વાહનો કબ્જે કર્યા હતા.
માહિતી અનુસાર વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વિતરણ માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભારે માત્રામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે યોજાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.પ્રાથમિક અંદાજ મુજબ ૨૫૦૦થી વધુ વિદેશી શરાબની પેટીઓ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની આશરે કિંમત ૪ કરોડથી વધુ હોવાનો અંદાજા લગવૈ રહ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે હલચલ મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના પોલીસ વડા રાવની કચ્છ મુલાકાત પહેલા જ આ કાર્યવાહી થવાને કારણે પોલીસ બેડામાં ફફડાટ જાવા મળી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત નજર રાખવા માટે ઉચ્ચ સ્તરે સૂચનાઓ આપવામાં આવી હોવાની ચર્ચા છે. હાલ એસએમસી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને જથ્થાની ચોક્કસ ગણતરી તેમજ અન્ય સંડોવાયેલા તત્વોની શોધખોળ હાથ ધરાઈ છે. આ દરોડામાં હજારો વિદેશી દારૂની બોટલો, ટ્રક અને અન્ય વાહનો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો હોવાનું પ્રાથમિક અંદાજ છે. હાલમાં એસએમસી દ્વારા જપ્ત કરાયેલા જથ્થાની ચોક્કસ ગણતરી અને વાહનોની માલિકી અંગેની તપાસ ચાલી રહી છે.