કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સીમા સુરક્ષા દળે કાર્યવાહી હાથ ધરી, જેમાં ૧૫ પાકિસ્તાની ઘૂસણખોરોને બે બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા.આ ઘટના કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં બની,જે ભારત-પાકિસ્તાન સીમાની નજીક આવેલો અત્યંત સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા લોકો પાકિસ્તાની માછીમારો છે, જેઓ ભૂલથી અથવા જાણીજોઈને ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા.
બીએસએફની ૬૮મી અને ૧૭૬મી બટાલિયનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ઘૂસણખોરોને ઝડપી પાડ્યા. સૂત્રો અનુસાર, બીએસએફની ટીમે કોરી ક્રીક વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જાતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન બે પાકિસ્તાની બોટને રોકીને તેની તપાસ કરવામાં આવી, જેમાં ૧૫ વ્યક્તિઓ મળી આવ્યા. બીએસએફે એક બોટને પોતાના કબજામાં લઈ લીધી છે, જ્યારે બીજી બોટની તપાસ ચાલુ છે.
ઝડપાયેલા ૧૫ પાકિસ્તાની નાગરિકોને વધુ પૂછપરછ માટે ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવશે.બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ ઘૂસણખોરોની ઓળખ, તેમના ઇરાદા અને ભારતીય જળસીમામાં પ્રવેશના કારણોની તપાસ કરશે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વ્યક્તિઓ માછીમારી દરમિયાન ભૂલથી ભારતીય સીમામાં આવી ગયા હોવાનું જણાવે છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.