કચ્છ જિલ્લાના આદીપુર સ્થિત તોલાણી કોલેજમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કોલેજના એક વિભાગમાં પાર્ટી બાદ કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં બેઠેલા હતા. તે સમયે કોલેજના આચાર્યએ તેમને સવાલ કર્યો કે, “અહીં કેમ બેઠા છો?” આ સામાન્ય સવાલ પૂછતાં જ એક વિદ્યાર્થી ગુસ્સે ભરાયો અને આચાર્યને જારદાર થપ્પડ મારી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.આ ઘટના બાદ કોલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચી વિદ્યાર્થી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ પર થયેલા આ હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.આદિપુર પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કોલેજ સ્ટાફ અને પ્રિન્સીપાલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થામાં શિસ્ત અને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે.