કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે મંગળવારે ભારતીય સેનામાં વધુ પડતા સૈનિકોની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા. તેમણે સૈનિકોને કોઈ અન્ય કામમાં લગાવવાની સલાહ પણ આપી દીધી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ રીતે સાબિત કર્યું કે ભવિષ્યનો સંઘર્ષ મોટેભાગે હવાઈ તાકાત અને મિસાઈલોથી લડાશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે હારી ગયું હતું. ભાજપે તેમના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે.
રિપોર્ટ મુજબ ચૌહાણે કહ્યું કે, સેનાની વાત કરીએ તો આપણી પાસે ૧૨ લાખથી ૧૫ લાખ સૈનિકો છે જ્યારે પાકિસ્તાન પાસે પાંચ લાખથી છ લાખ જેટલા સૈનિકો છે. પરંતુ તેનું (મોટી સંખ્યાનું) કોઈ મહત્વ નથી. કારણ કે એ પ્રકારનું યુદ્ધ (જમીન સ્તર પર) હવે નહીં થાય. પત્રકારો સાથે વાતચીતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આટલી મોટી સંખ્યામાં સેના રાખવાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા.
તેમણે કહ્યું કે તમારી પાસે કેટલા સૈનિકો છે તે હવે મહત્વ નથી ધરાવતું. કારણ કે કોઈ પણ હવે તે પ્રકારનું યુદ્ધ કરવા નહીં દે. આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન જાયું કે સેના એક કિલોમીટર પણ આગળ વધી નહીં. ઓપરેશન સિંદૂર દરમિયાન લડાઈ ફક્ત હવાઈ અને મિસાઈલ હુમલા સુધી મર્યાદિત રહી અને આગળ પણ આ પ્રકારના યુદ્ધ થશે. ચૌહાણે કહ્યું કે આવામાં ૧૨ લાખ સૈનિકોની સેના રાખવાની શું જરૂર. તેમને કોઈ અન્ય કામમાં લગાવવા જાઈએ.
પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૌહાણે કહ્યું કે, ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે સંપૂર્ણ રીતે હારી ગયા હતા. ૭મેના રોજ ચાલેલા અડધા કલાકના હવાઈ સંઘર્ષમાં હારી ગયા હતા. હવે લોકો તે સ્વીકારે કે ન સ્વીકારે. ભારતીય વિમાન પાડ્યા હતા. વાયુસેના સંપૂર્ણ રીતે જમીન પર હતી અને એક પણ વિમાન ઉડ્યું નહતું. જા કોઈ વિમાન ગ્વાલિયર, ભઠિંડા કે સિરસાથી ઉડ્યું હોત તો એ વાતની ઘણી સંભાવના હતી કે તેને પાકિસ્તાન તોડી પાડત. જેના કારણે વાયુસેના સંપૂર્ણ રીતે જમીન પર હતી.
ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન પર આકરા પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે એરફોર્સ અને સુરક્ષાદળો પર કોંગ્રેસનું વિવાદિત નિવેદન. ૭ મેના રોજ અડધા કલાકની હવાઈ લડાઈમાં ભારતીય વિમાન તોડી પાડ્યા. ભવિષ્યમાં પણ લડાઈ આ રીતે થશે અને શું ખરેખર ૧૨ લાખ સૈનિકોને મેન્ટેઈન કરવાની જરૂર છે. કોંગ્રેસ સેનાને નફરત કરે છે. સેનાનું અપમાન કોંગ્રેસની ઓળખ. રસ્તા પરના ગુંડાથી લઈને ઓપરેશન સિંદૂર/ સર્જિકલ સ્ટ્રાઈક/ બાલાકોટ અને ઓપરેશન મહાદેવ પર તેમણે સવાલ ઉઠાવ્યા છે.









































