ગાંધીનગરમાં સેકટર-ઘ ખાતે સત્યાગ્રહ છાવણી પાસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાના માજી સૈનિકો તેમજ ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ‘ઓપરેશન અનામત’ નામનું આંદોલન કરવામાં આવ્યું હતું. સરકારના માજી સૈનિકોની ભરતીમાં આવેલા લઘુત્તમ લાયકી ધોરણો વિરુદ્ધ આ પ્રદર્શન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં માજી સૈનિકો દ્વારા એકસ આર્મીને આપવામાં આવતી નોકરીના કાયદામાં આવેલા ફેરફારને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ આંદોલન છેલ્લા નવ દિવસથી કરવામાં આવી રહ્યું છે. જેમાં દિવસે ને દિવસે સૈનિકો વિવિધ જિલ્લામાંથી નિવૃત સૈનિકો જોડાઈ રહ્યા છે. આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ નિવૃત્ત સૈનિકો આ આંદોલનમાં જાડાયા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને ૧૦ ટકા અનામત આપવામાં આવી છે.પરંતું રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્‌સ ૪૦ રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે.

આ સિવાય તેમનો મુખ્ય મુદ્દો પગાર રક્ષણનો છે. જેમાં નિવૃત સૈનિકોનો છેલ્લો પગાર આરક્ષિત નોકરીમાં શરૂઆતી પગાર હોવાની જાગવાઈ છે. જેમાં આર્મીના ક્લાર્કને જ આ લાભ મળશે તેવા સુધારાથી બાકીના સૈનિકો વંચિત રહી જાય છે. પરિણામે તેમની માંગણી છે કે આ મિનિમમ માર્ક્‌સ અને પગાર રક્ષણના સુધારાઓ હટાવવામાં આવે અને તેમને મળતા લાભો આપવામાં આવે.

૨૦૨૨માં આ આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં ગૃહમંત્રી દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું. પરંતું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી તેઓએ ફરીથી ‘ઓપરેશન અનામત’ હેઠળ આ આંદોલન કરી રહ્યા છે. જા તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

આ અંગે ગુજરાત માજી સૈનિક સંગઠનના અધ્યક્ષ નીમાવત જીતેન્દ્રએ જણાવ્યું કે, ‘હાલ અમે નવા માજી સૈનિકો માટે ગુજરાત સરકારમાં જે અનામતનો નિયમ બનેલો છે તેનું ચુસ્તપણે પાલન થતું નથી તે માટે ધરણા પર બેઠા છીએ. અમે ઇચ્છીએ છીએ કે તેનું ચુસ્તપણે પાલન થાય. છેલ્લા ૯ દિવસથી અમે અહીં બેઠા છીએ, પરંતુ ગુજરાત સરકારનો એક પણ પ્રતિનિધિ અમારી સાથે વાત કરવા આવ્યો નથી. અમે વારંવાર તેમની પાસે જઈએ છીએ પણ કોઈ નિરાકરણ આવતું નથી. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી કોઈ નિરાકરણ આવે.’

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ‘જા નિરાકરણ નહીં આવે તો આજે અમે નક્કી કર્યું છે કે અમે પહેલાં ૨૦૨૨માં જે રીતે સચિવાલય પર ધરણા પર બેઠા હતા તે રીતે અહીંથી અમે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહ્યા છીએ. હજી પણ એક-બે કલાકનો સમય છે, કદાચ સમય આપી શકીએ એમ છીએ. પણ જા હવે પછી અમારું કોઈ નિરાકરણ ન આવે તો મોટી સંખ્યામાં માજી સૈનિકો રસ્તામાં છે અને અમે બધા સચિવાલય ગેટ ઉપર જવાના છીએ.’

ગુજરાતના માજી સૈનિકો ૯ દિવસથી ધરણા પર બેઠા છે, જેમાં રાજ્યના તમામ માજી સૈનિકો અને સંગઠનો એક સાથે જાડાયેલા છે, અને તેઓ એક બુલંદ અવાજે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ અનામતની છે, સાથે જ ખેતીની જમીન, પ્લોટિંગની જમીન, હથિયાર લાઈસન્સ, અને સરકારી નોકરીઓમાં પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પણ પેન્ડીંગ છે.

આ મુદ્દાઓના નિયમો હોવા છતાં તેનું પાલન નથી થતું અને વિસંગતતાઓ જાવા મળે છે, જેનું નિરાકરણ અને અમલીકરણ થાય તેવી તેઓ માંગ કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન માજી સૈનિકોએ પાકિસ્તાન સામે લડવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હવે જ્યારે તેમને સરકારની જરૂર છે, ત્યારે સરકાર તેમની વાત નથી સાંભળતી, જેથી તેઓ જલ્દી નિરાકરણની વિનંતી કરે છે, જે તેમના અને સરકાર બંનેના હિતમાં છે.