ભારતની રાજનીતિમાં કૌભાંડ શબ્દને પર્યાયની જરૂર નથી. એ રોજબરોજની રાજનીતિમાં વણાઈ ગયો છે. એ શબ્દ સંસદથી લઈને દેશની સડકો સુધી ઉછળતો રહે છે. લોર્ડ એક્ટને કહ્યું હતું તેમ “પાવર કરપ્ટસ… એન્ડ ટેન્ડઝ ટુ કરપ્ટ એબ્સોલ્યુટલી. ” સત્તાને એક કેન્દ્ર છે જે બધી વસ્તુને પોતાની તરફ ખેંચતી રહે છે. સારું નરસું બધી ત્યાં ખેંચાતું રહે છે. જીપ કૌભાંડથી લઈને સ્પેક્ટ્રમ અને બોફોર્સથી લઈને નેશનલ હેરાલ્ડ સુધી આઝાદ ભારતના ઇતિહાસમાં કૌભાંડો ગાજ્યા છે. ભારતમાં કોઈ રાજકીય કે બિન રાજકીય ગરબડ, કૌભાંડ આવે એટલે જવાબદારી નક્કી કરવાની મોટામાં મોટી અનિશ્ચિતતા ઉભી થાય છે. આ કોણે કર્યું ? જો એક-બે નક્કી થાય તો પણ અન્યો કોણ કોણ સામેલ છે એ ભાવિના ગર્ભનો સવાલ બની જાય છે. મોટા ભાગે આ બહાર આવતા આવતા ખૂબ લાંબો સમય લે છે, ભારતમાં કૌભાંડો અને ગરબડો એ વિકાસની જેમ ચાલતી કાયમી અને લાંબાગાળાની પ્રક્રિયા છે. એના માટે કોણ જવાબદાર છે એ નક્કી કરવાનો પ્રમાણભૂત સમય આપણે દાયકાઓમાં નક્કી કરીએ છીએ. નિરાંતથી દાયકે બે દાયકે નક્કી કરીને જવાબદાર જો હાથવગો હોય તો સજા પણ કરીએ વળી. જેમ જેમ સમય વીતતો જાય છે એમ “સમય બધા દુ:ખોનો ઈલાજ છે” અને “ટોળાને યાદશક્તિ નથી હોતી” ના સંયુક્ત ઉપક્રમે બધું વિસારે પડી જાય છે. ધીમેધીમે આપણે આનાથી મારું વ્યક્તિગત શું અહિત થયું ? (તળપદીમાં “મારે કેટલા ટકા ?”) ની તરજ પર સમાધાનો શોધાવા લાગે છે. પ્રથમ વખત સમાચાર સાંભળીને ડ્રોઈંગરૂમના સોફા પર પીઠ ઉંચી કરી જનાર દેશભક્ત રી-ટેલીકાસ્ટ વખતે આડો પડ્યો આરામથી ચેનલ ચેન્જ કરી લે છે. આપણે ત્યાં રાષ્ટ્ર સંવેદના પ્રાસંગિક હોય છે. ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી, અને આવા બનાવો આ સંવેદના ઉછળવાના કે ઉકળવાના આદર્શ મૂહુર્તો છે. ત્યારપછીના દિવસોમાં જેમ દેડકો ચોમાસા પછી ઊંડે જમીનમાં જતો રહે તેમ પ્રસંગ કે ઘટના પુરી થતા ઊંડે જતી રહે છે. અને આવા બીજા ચોમાસાની રાહ જોતી રહે છે.

આમ સંવેદના વારે વારે બુઠ્ઠી થઇ જવાનું કારણ એ કે રાષ્ટ્ર ભાવનાનું ઘડતર જેવો વિષય કે ખ્યાલ આપણે ત્યાં અસ્તિત્વમાં નથી. શાળા કોલેજોમાં આ પવિત્ર ભાવનાનું દ્રઢીકરણ થાય એવા આપણા સીલેબસો કે અભ્યાસેત્તર પ્રવૃત્તિ નથી કે નથી સરકારો તરફથી પ્રોત્સાહન. ચરમહદ સુધીની સ્વકેન્દ્રીયતા આ લાગણીના અંકુર ફૂટવા નથી દેતી. સરેરાશ ભારતીયનું આ સ્વકેન્દ્રીયતાનું બહોળા ફલક પરનું પ્રમાણ ઘણી જગ્યાએ પ્રતિબિંબીત થાય છે. સમષ્ટિના હિત માટે ઘડેલા જાહેર સમાજ જીવનના સામાન્ય નિયમોનું પાલન ન કરવાથી લઈને સામાવાળાને વ્યક્તિગત અગવડતાઓ ઉભી થાય એવું આચરણ સામાન્ય થઇ પડ્યું છે. કાળીયા ભેગો ધોળિયો બાંધ્યો, વાન ના આવે પણ સાન તો આવે એવી રાહે આ ચેપી રોગ ફેલાય છે, અને આવું વાતાવરણ વધી પડતા આર્થિક,સામાજિક, રાજકીય સમતોલન ખોરવાય અને અવ્યવસ્થા ઉભી થાય એવા કૌભાંડો, ગેરરીતિઓ અને અવ્યવસ્થાનું પ્રમાણ વધે છે. આવું નિર્માલ્ય વાતાવરણ ભાળી આવું કરનારા લોકોની હિંમત ખુલે છે. કારણ દીવા જેવું સ્પષ્ટ છે કે આ કરનારને અમુકતમુક નાનીમોટી કાયદાકીય બાબતો સિવાય પ્રજાભય નથી રહેતો. એનો સાબિતીરૂપ આઝાદ હિન્દુસ્તાનનો ઈતિહાસ છે કે એકલદોકલ કિસ્સા બાદ કરતા જનતા સ્વયંભુ ક્યારેય દેશહિત માટે સડકો પર નથી ઉતરી કે નથી એણે ન્યાયપાલિકા દ્વારા વાજબી સમયમાં સજા થઇ. એની સામે પડી શકે એવું સામુહિક બળ પોતેજ બીમાર અવસ્થામાં છે.

આવા કૌભાંડોમાં રાજકીય સામેલગીરી પક્ષે પણ કૈક એવું અભયવચન મળી જાય છે કે આ પ્રજા આકરું રીએક્શન આપવાની ક્ષમતા નથી રાખતી. એનો પ્રતિકાર એના ફળિયા કે શેરી સુધી માર્યાદિત થઇ ગયો છે. અને ચૂંટણીમાં આવા પ્રતિકારને વિરુધ્ધ મતમાં રૂપાંતરિત થતો પ્રચાર પ્રસાર દ્વારા અન્યત્ર ભટકાવી ને સત્તા જાળવી ટકાવી રાખી શકાય છે. તેઓ જાણે છે કે અહિયાં દરેક વ્યક્તિની વફાદારી વહેચાયેલી છે. જે વ્યકિત માત્ર પોતાની જાતિ-જ્ઞાતી, કુટુંબપરિવાર ને વફાદાર હોય છે, માત્ર પોતાના અંગત સ્વાર્થ પ્રત્યે કર્તવ્યપરાયણ હોય છે, એની દેશ પ્રત્યેની વફાદારી ખંડિત રહેવાની. જેણે જાત-પાત,ધર્મ, ભાષા, પ્રાંત-પ્રદેશ જેવા વાડાની કંઠી બાંધી છે એ દેશની કંઠી નહિ બાંધે. પાડોશીના સંતાનોની માર્કશીટ પોતાનાની સાથે સરખાવીને દુખી કે રાજી થતી જનતા. સિનેમા, રાશન, મંદિરો, જાહેર ઉપભોગના સ્થળો પરની કતારોમાં નક્કટી થઈને ઘૂસ મારતી જનતા. સાયકલ, બાઈક, મોટર લઈને જતી અને ચારરસ્તે સર્કલને ક્યારેય આંટો ના મારતી જનતા. પાનની પિચકારી મારીને લોકનેતાને ભાંડતી જનતા.પૈસા લઈને કે દારૂ પીને ટપોરી છાપ નેતાને પોતાનો મત વેચતી જનતા, કપડાનો રંગ જોઇને આંખોમાં ખુન્નસ ભરી લેતી જનતા. આ જનતાના આત્માના શુદ્ધિકરણ માટેનું ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું છે, હજારો ડીગ્રી સેલ્સીયસ કદાચ. એને દેશમાં ઝાઝો રસ નથી. એટલે સ્વાભાવિક છે કે કૌભાંડોના કદ, તેને કરનાર, તેને છાવરનાર સાથે કંઈ લેવા દેવા નથી.એને પોતાના ધર્મ કે માન્યતા ધરાવતા ફિરકાની ધજા પ્રત્યે રાષ્ટ્રધ્વજ કરતા વધારે આદરમાન છે.

ખલીલ જિબ્રાને પોતાની “THE PROPHETકૃતિમાં અલમુસ્તફાના મોઢામાં મુકેલ શબ્દોનો અદભુત અનુવાદ મકરંદ દવેએ “એ દેશની ખાજો દયા ” નામે કરેલ છે. એમાંથી અમુક ચૂંટેલ પંક્તિઓ આજના વિષય સંદર્ભે ખસૂસ પ્રસ્તુત છે.

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા,   જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,    જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,   ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,    જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!    જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,    એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!